gujarat24

ખેડાના સંતરામ સખી મંડળની બહેનોને 50 પ્રકારની રાખડીઓના વેચાણથી થઇ 6 લાખ રૂપિયાની આવક

Nadiad News: ભારતીય સંસ્કૃતિમાં શ્રાવણ મહિનાને તહેવારના મહિના તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ-બહેનના પ્રેમને ઉજવવાનો તહેવાર રક્ષાબંધન પણ આ પવિત્ર મહિના દરમિયાન જ આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધીને તેમની રક્ષા માટે પ્રાર્થના કરે છે. ભાઈની રક્ષા કરવા ઉપરાંત આ રાખડીઓ ગુજરાતની અનેક બહેનો માટે આવકનો મુખ્ય સ્ત્રોત બની છે. રક્ષાબંધન નિમિત્તે રાજ્યના 15થી વધુ સખી મંડળની બહેનો અવનવી ડીઝાઇનની રાખડીઓ બનાવીને તેનું વેચાણ કરી રહી છે અને 12 લાખ રૂપિયાથી વધુની આવક મેળવી રહી છે.

રાખડીનું ઉત્પાદન અને વેચાણ કરીને આજીવિકા મેળવવામાં ખેડા જિલ્લાનું સંતરામ સખી મંડળ ગુજરાતમાં મોખરે છે. સંતરામ સખી મંડળની 25 બહેનોએ રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે રાખડીઓ બનાવીને આવક મેળવી રહી છે. આ વર્ષે સંતરામ સખી મંડળની બહેનો દ્વારા 50થી વધુ ડીઝાઈનની આશરે 2 લાખ રૂપિયાથી વધુ રાખડીઓ બનાવી હતી, જેના વેચાણ થકી સખી મંડળની બહેનોએ કુલ 6 લાખ રૂપિયા જેટલી આવક મેળવી છે. આ ઉપરાંત અન્ય 40થી વધુ બહેનો રાખડીઓનું વેચાણ કરીને છૂટક આવક મેળવી સ્વનિર્ભર બની છે.

આ સખી મંડળના પ્રમુખ મીનાબેન ડાભી ઉપરાંત અન્ય ચાર બહેનો દ્વારા રાખડી બનાવવાના કામની શરૂઆત કરવામાં આવી હતી. પ્રથમ વર્ષે ફંડ ઓછુ હોવાથી સખી મંડળની બહેનો દ્વારા રાખડીઓ વેચીને માત્ર 15,000 જેટલી આવક મેળવી હતી. ત્યારબાદ, રાજ્ય સરકારના ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા સંતરામ સખી મંડળને રાખડીઓનું ઉત્પાદન વધારવા તેમજ વધુ મહિલાઓને રોજગારી આપવાના આશય સાથે 1.50 લાખ રૂપિયા કેશ ક્રેડીટ આપવામાં આવી હતી. આ કેશ ક્રેડિટના આધારે સંતરામ સખી મંડળની બહેનોનું રાખડીનું ઉત્પાદન અને આવક સતત વધતી ગઈ. પરિણામે આજે આટલા ટૂંકા સમયમાં જ સખી મંડળે 6 લાખ રૂપિયાની આવક મેળવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલા સ્વ-સહાય જૂથો તથા સખીમંડળોને ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની (ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા સખી મંડળની બહેનોને ફંડ અને સહાય ઉપરાંત આજીવિકાલક્ષી પ્રવૃતિઓની તાલીમ પણ આપવામાં આવે છે. આ તાલીમ થકી ગુજરાતની અનેક મહિલાઓ ઉત્પાદકીય પ્રવૃતિઓ સાથે જોડાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *