gujarat24

વડતાલ મંદિરમાં ગણેશોત્સવ: ગણેશ પૂજન એવં સ્થાપન કરી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે આરતી ઉતારી, પરિસર ગણપતિ બાપ્પા મોરયાના નાદથી ગુંજી ઉઠ્યું

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વા.મંદિરના પ્રવેશ દ્વારે 199 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણ ભગવાને પધરાવેલ ગણપતિ દાદાની મૂર્તિ જિલ્લામાં સૌથી પ્રાચીન મૂર્તિ છે. આજે સવારે વડતાલ પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે ગણપતિદાદાનું પૂજન કરી આરતી ઉતારી હતી જ્યારે મંદિર પરિસરમાં પણ વિઘ્નહર્તાની આન-બાન અને શાન સાથે દાદાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. જ્યાં આચાર્ય મહારાજે પૂજન વિધિ કરી દાદાની આરતી ઉતારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, 93મી રવિસભામા સંસ્થાએ 200 ઇકોફ્રેન્ડલી-ગોમયમાંથી બનાવેલ ગણેશ પ્રતિમાઓ અર્પણ કરી હતી .

વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડોક્ટર સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રીહરિએ શિક્ષાપત્રીમાં ભાદરવા સુદ ચતુર્થીએ શ્રી ગણપતિદાદાનુ વિશેષ પૂજન-અર્ચન કરવાની આજ્ઞા કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક મંદિરોમાં ગજાનન ગણપતિનું સ્થાપન થતું આવ્યું છે. શ્રીજી મહારાજના સમયથી આ પરંપરા ચાલી આવી છે. શ્રીજી મહારાજે વિષ્ણુ, શિવ, પાર્વતી ,ગણપતિ તથા સૂર્ય એમ પાંચ દેવોની પૂજન અર્ચના કરવા પોતાના અનુયાયીઓને આજ્ઞા કરી છે.

ગણેશ ચતુર્થીના શુભ દિને આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે પ્રવેશદ્વાર પાસે આવેલ ગણપતિ દાદાનું સવારે વિશેષ પૂજન કર્યું હતું. આ પ્રસંગે પાર્ષદ ઘનશ્યામ ભગત તથા રાહુલ ભગતે પુષ્પ માળા પહેરાવી સ્વાગત કર્યું હતું. પૂજન સમયે કોઠારી સ્વામી, બ્રહ્મચારી પ્રભાનંદજી, વલ્લભસ્વામી, સૂર્યપ્રકાશ દાસજી વગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતા.

10 દિવસ મોંઘેરા મહેમાન બનેલા દાદાનું રોજ સવારે વિશેષ પૂજન થશે. પૂજન આરતી બાદ મહારાજશ્રી સંતો સાથે નીજ મંદિરમાં પધાર્યા હતા. શણગાર આરતી બાદ મંદિરના ઘુમ્મટમાં વિઘ્નહર્તા ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવેલ છે ત્યાં આચાર્ય મહારાજે દાદાનું પૂજન કરી આરતી ઉતારી હતી. આ પછી દિવસ સુધી મંદિર પરિસર ગણપતિદાદા મોર્યા…..ના નાદથી ગૂંજી ઉઠ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *