વર્ષ 1966 બાદ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે ફરી એક વાર ચળવળ શરૂ થઈ છે. સ્વયંસ્ફૂર્ત ગૌ માતા રાષ્ટ્રમાતા સંતોના અભિયાન અંતર્ગત ચારેય પીઠના જગત ગુરુ શંકરાચાર્ય એક મંચ ઉપર ભેગા થઈને ગૌ માતા માટે આંદોલન કરવામાં આવશે. સંપૂર્ણ ગોવંશ હત્યા પ્રતિબંધ કાનૂન લાવવા માટે જગત ગુરુ શંકરાચાર્ય અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા ગોધ્વજ દેશના રાજ્યોમાં પ્રસ્થાપિત કરવામાં આવશે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
જગત ગુરુ શંકરાચાર્ય 22 સપ્ટેમ્બરથી 33 રાજ્યોમાં 24,638 કિલોમીટરની યાત્રા કરશે. એ અંતર્ગત 16 ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં આ ગોધ્વજ પ્રસ્થાપિત કરવામાં આવશે. સાથે સાથે 7, 8, અને 9 નવેમ્બરના રોજ દિલ્હી સંસદભવન ખાતે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા મોટા પાયે આંદોલન પણ કરવામાં આવશે. આ યાત્રાનું 26 ઓક્ટોબરના રોજ દિલ્હી ખાતે સમાપન કરવામાં આવશે.
16 ઓક્ટોબરના રોજ સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે 300થી વધુ ગૌસંસ્થાઓની સાથે 50,000થી વધુ ગૌભક્તો હાજર રહેશે. સાથે સાથે 300થી વધુ સંતોની અધ્યક્ષતામાં વર્ષ 2024ની સૌથી મોટી ધર્મસભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ ધર્મ સભામાં ચાર પીઠના શંકરાચાર્યની સાથે હિન્દુ ધર્મના તમામ સંતો ઉપસ્થિત રહેશે. રાજ્યમાં 1,400થી વધારે ગૌશાળાઓના સભ્યો પણ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાના કાર્યક્રમમાં ભાગ લેશે.
સમગ્ર કાર્યક્રમ સોલા ભાગવત વિદ્યાપીઠમાં આયોજિત કરવામાં આવશે સાથે સાથે ગોધ્વજને પણ પ્રસ્થાપિત કરવામાં આવશે. ગોસંસદ સંસ્થાના અગ્રણીના જણાવ્યા અનુસાર વર્ષ 2013ના સર્વે અનુસાર સમગ્ર દેશમાં નાની મોટી 16 કરોડ ગયો છે. સાથે સાથે સમગ્ર દેશમાં 36,000થી વધુ કતલખાનાઓ કાર્યરત છે. આ તમામ કતલખાનાઓને રોકીને આગામી 9 નવેમ્બરના રોજ દિલ્હી સંસદમાં ભવન સુધી કૂચ કરી ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો આંદોલનને વેગ અપાશે.