ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતા એ સ્નેહ, ત્યાગ અને આત્મીયતાના મૂર્તિરૂપ છે. એમના આશીર્વાદ અને માર્ગદર્શનથી બાળકોના જીવનમાં સંગઠન, સાંસ્કૃતિક મૂલ્યો અને જીવનમાં સંસ્કારોનો અમૂલ્ય ભંડાર મળે છે. આટલા મહત્વના જીવનદાતા પ્રત્યે સન્માન, શ્રદ્ધા અને કૃતજ્ઞતાની ભાવનાને ઉજાગર કરવા માટે ગોકુલધામ નાર ગુરૂકુલના બાળકો દ્વારા માતૃ પિતૃ વંદના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
માતૃ પિતૃ વંદના કાર્યક્રમ અંતર્ગત ગોકુલધામ હોસ્ટેલના બાળકોએ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા માતા-પિતાનું પૂજન અને ચરણ સ્પર્શ કરીને તેમનું પુષ્પમાળા દ્વારા સન્માન કરીને તેઓ પ્રત્યે કૃતજ્ઞતા અને સન્માનની ભાવના વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં ગોકુલધામ નારના સ્વપ્નદ્વષ્ટ્રા શુકદેવપ્રસાદદાસજી સ્વામી, હરિકૃષ્ણદાસજી સ્વામી, જનમંગલદાસજી સ્વામી ઉપસ્થિત રહીને બાળકોને આશીર્વાદ આપ્યા હતા.
સાથે જ શુકદેવપ્રસાદદાસજી સ્વામીજીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, માતા-પિતા એ જીવનના પાયાના પથ્થર છે. તેમના માર્ગદર્શન અને ત્યાગ દ્વારા આપણું જીવન સુખી અને સફળ બને છે તેમને શ્રદ્ધા અને આદર આપવું એ આપણો પ્રથમ અને સર્વોચ્ચ કર્તવ્ય છે તેવો સંદેશો બાળકો અને આજની યુવાપેઢીને આપવામાં આવ્યો હતો.