Ambaji Taranga Rail Project Update: જગતજનની મા અંબેને ગુજરાત સહિત ભારતના અનેક રાજયોમાં ઉપરાંત વિદેશમાં રહેતા અનેક લોકો અવાર નવાર માતાજીના ચરણોમાં શિશ ઝુકાવવા માટે ધર્મપ્રેમી જનતા આવે છે. તારંગાથી અંબાજી થઈ આબુરોડ સુધી રેલવે લાઈન માટે કરોડો રૂપિયાનો પ્રોજેકટ અમલમાં મૂકાયો છે. જેથી રેલવે તંત્રએ વિદેશોમાં બનેલી રેલવે લાઈન, રેલવે સ્ટેશન, ગરનાળા અને ટનલનું નિરીક્ષણ કરી અંબાજીની થીમ પર રેલવે સ્ટેશન બનાવવાનો નિર્ણય કર્યો છે જેનું કામ પણ પ્રગતિમાં છે. સુચિત રેલવે લાઈનનું કામ ચાલી રહ્યું છે ત્યારે તારંગાથી આબુરોડ સુધી અંદાજે 13 ટનલ બનશે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
આ પ્રોજેક્ટ માટે ગુજરાતના ત્રણ જિલ્લાઓમાંથી કુલ 409.480 હેક્ટર વિસ્તારનો ઉપયોગ કરવામાં આવશે. જ્યાં 33 મોટા પુલ બનાવવામાં આવશે. જેમાં મહેસાણાના સતલાસણામાં 8, બનાસકાંઠાના દાંતામાં 17 અને સાબરકાંઠાના પોશીનામાં 8 પુલનો સમાવેશ થાય છે. મહેસાણા, ખેરાલુ અને સતલાસણામાં ૨ રોડ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. દાંતા અને પોશીનામાં 1-1 પુલ બનાવવામાં આવશે.
47 અંડરબ્રિજ હશે જેમાં સતલાસણામાં 13, દાતામાં 28 અને પોશીનામાં 6નો સમાવેશ થાય છે. જેથી નજીકના ગામોને વધુ સારી સગવડ પ્રદાન કરશે. ઉદ્યોગોને વેગ મળશે જેથી રોજગારીની તકોમાં વધારો થશે. અંબાજી અને તેની આસપાસના વિસ્તારોમાં માર્બલ ઉદ્યોગનો વધુ વિકાસ થયો છે. રેલવે માર્ગ ફક્ત માર્બલના પરિવહન માટે વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે.
ટનલની લંબાઈ 2300 મીટર હશે
ગુજરાતના શક્તિપીઠ અંબાજીમાં નિર્માણાધીન રેલવે સ્ટેશન પાસે સૌથી મોટી ટનલ બનાવવામાં આવશે, જે 2300 મીટર લાંબી હશે. આબુ રોડ બ્લોકના સુરાપાગલા ગામ પાસે આ રેલવે લાઇન પર સૌથી ઉંચો પુલ બનાવવામાં આવશે. જેની ઉંચાઈ 80 મીટર હશે.
રૂટ પર 15 સ્ટેશનો બનશે, સૌથી મોટું અંબાજીમાં હશે
આ રેલવે રૂટ પર આબુરોડ સહિત કુલ 15 રેલવે સ્ટેશન હશે. સૌથી મોટું સ્ટેશન ગુજરાતના અંબાજીમાં હશે. જ્યાં છ માળનો પેસેન્જર રેસ્ટ રૂમ બનાવવામાં આવશે. આનાથી શક્તિપીઠ ખાતે આયોજિત ધાર્મિક કાર્યક્રમોમાં આવતા લાખો ભક્તોને સુવિધા પણ મળશે. પ્રોજેક્ટ હેઠળ રાજસ્થાનના સિરોહી અને ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાને લાભ મળશે.
સૂચિત રેલવે લાઈન માટે ખર્ચ કેટલો થશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ગતિ શક્તિ હેઠળ સમર્પિત માળખાગત સુવિધા દ્વારા દેશના રોડ અને રેલ નેટવર્કને જોડીને ભારતના વિકાસના નવા યુગની શરૂઆત કરી છે. જેના ભાગરૂપે, પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે તારંગા ટેકરી.અંબાજી-આબુ રોડ નવી રેલ લાઈનના નિર્માણને મંજુરી આપી છે. જેથી અંદાજે 116.65 કિલોમીટર લાંબી આ રેલ લાઇન બનાવવા માટે અગાઉ રેલવે મંત્રાલય દ્વારા અંદાજિત રૂપિયા 2798.16 કરોડના ખર્ચનો લક્ષ્યાંક રખાયો છે.
કેટલી નદીઓ, ગામડાઓમાંથી રેલવેલાઈન પસાર થશે?
તારંગા વાયા અંબાજી થઈ આબુરોડ સુધીની રેલવે લાઈન 6 નદીઓ અને 60 ગામડાઓમાંથી પસાર થશે. આ પ્રોજેક્ટથી ગુજરાતના ત્રણ જિલ્લાના 104 ગામડાઓને લાભ થશે.