Ahmedabad News: અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતી સગીરાએ તેના બોયફ્રેન્ડના કહેવાથી તેના જ ઘરમાંથી એક લોકરની ચોરી કરી હતી. સગીરાના પિતાએ એપાર્ટમેન્ટના સીસીટીવી તપાસ કરતા તેનો ફાંડો ફૂટી ગયો હોવા છતાંય, લોકર અંગે કોઈ માહિતી ન આપતા છેવટે તેના પિતાએ પુત્રી અને તેના બોય ફ્રેન્ડ વિરૂદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસનપ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે લોકરમાંથી મુદ્દામાલ કાઢીને વાસણા રિવરફ્રન્ટની ઝાડીઓમાં ફેંકી દીધું હતું. આ અંગે બોપલ પોલીસે સગીરાના બોય ફ્રેન્ડની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે શેલા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા વ્યક્તિએ તેમના રૂમમાં લોકરમાં ૨૨ જીવતા કારતૂસ, હથિયારનું લાયસન્સ, પાસપોર્ટ અને સોના દાગીના સહિત કુલ ૧.૫૬ લાખની મતા મુકી હતી. થોડા મહિના પહેલા તે વ્યક્તિએ સ્કૂટરના ડોક્યુમેન્ટ મુકવા માટે કબાટ ખોલ્યો ત્યારે લોકર મળી આવ્યું નહોતું. જેથી ઘરમાં તપાસ કરતા કોઈ કડી મળી નહોતી. જેથી તેમણે એપાર્ટમેન્ટના સીસીટીવી ફુટેજ જોયા ત્યારે તે ચોંકી ઉઠ્યા હતા. કારણ કે ફૂટેજમાં તેમની જ 16 વર્ષની પુત્રી અને અન્ય એક યુવક તેની સાથે જોવા મળ્યો હતો.
જેથી તેના પિતાએ પુછતા તેણે સંતોષકારક જવાબ આપ્યો નહોતો. બાદમાં જાણવા મળ્યું હતુ કે તેની સાથે રહેલા યુવકનું નામ ઋતુરાજસિંહ ચાવડા (બરડ મિલ, દિવાન બલ્લુભા હાઈસ્કૂલ સામે, કાંકરિયા) હતું. જો કે સગીરાએ લોકર ચોરીની વાત સ્વીકારી નહોતી અને એક બોક્સમાં અન્ય વસ્તુ લઈને જતી હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું. પરંતુ, લોકરમાં કારતૂસ, અસલી પાસપોર્ટ સહિતના દસ્તાવેજ હોવાથી છેવટે તેના પિતાએ બોપલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ઋતુરાજસિંહની ધરપકડ કરીને પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેણે સગીરાને ઘરમાંથી ચોરી કરવા માટે કહ્યું હતું.જેથી સગીરાએ તેના જ ઘરમાંથી ચોરી કરી હતી.
આ અંગે બોપલ પોલીસ સ્ટેશનના પીઆઈ બી ટી ગોહિલે જણાવ્યુ કે બે વર્ષ પહેલા નવરાત્રીમાં સગીરા અને ઋતુરાજ મળ્યા હતા. ત્યારબાદ મિત્રતા બાદ યુવકે પ્રપોઝ કર્યું અને તે નિયમિત રીતે મળતો હતો. આ દરમિયાન યુવકને આર્થિક મુશ્કેલી હોવાથી સગીરા સાથે તેના જ ઘરમાથી લોકર ચોરીનો પ્લાન બનાવ્યો હતો અને લોકરમાંથી મુદ્દામાલ કાઢીને તેને રિવરફ્રન્ટ વાસણાની ઝાડીઓમાં ફેંકી દીધું હતું. જેમાં કારતૂસ હોવાથી સમગ્ર મામલે યુવકની પુછપરછ કરવામાં આવી રહી છે.