Ahmedabad News: અમદાવાદ એરપોર્ટ પરથી 2024-૨૫ના 10 મહિનાના ગાળામાં પકડાયેલું અંદાજે 136 કિલો સોનું હરાજી માટે રિઝર્વ બેન્કને પાઠવી દેવામાં આવ્યું છે. આમદાવાદ ગુજરાતનું આંતરરાષ્ટ્રીય વિમાન મથક હોવાથી પરદેશથી આવતા પેસેન્જર્સ ચોરીછૂપીથી મોટા પ્રમાણમાં સોનુ લાવતા હોવાથી અમદાવાદ એરપોર્ટ પર વધુ માત્રામાં સોનું પકડાઈ રહ્યું હોવાનું કસ્ટમ્સના ટોચના સૂત્રોનું કહેવું છે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
કસ્ટમ્સના ટોચના સૂત્રોનું કહેવું છે કે, પહેલી એપ્રિલ 2024થી 31મી જાન્યુઆરી 2025ના દસ મહિનાના ગાળામાં કુલ 136 કિલો સોનું પકડાયું છે. આ સોનું જપ્ત કરી લીધા બાદ જે વ્યક્તિના નામે આવ્યું હોય તેમને કસ્ટમ્સ એક્ટની કલમ 150 હેઠળ નોટિસ આપવામાં આવે છે. આ નોટિસ આપીને તેમના સોના પર ભરવાની થતી ડ્યૂટી અને પેનલ્ટી ભરી દેવામાં જણાવવામાં આવે છે. સોનું લાવનારા તેઓ સોનું લાવી રહ્યા હોવાની જાહેરાત જ ન કરતાં હોવાથી તેમની પાસેનું સોનું જપ્ત કરી લેવામાં આવે છે. અન્યથા તેમની પાસેથી તેના પર ભરવાની થતી આયાત ડ્યૂટી જમા કરાવવામાં આવે છે. ત્યારબાદ સૌનું પરત કરી દેવામાં આવે છે.
પરંતુ દાણચોરીથી સોનું લાવનારાઓ તેક્લેઈમ કરવાન આવતા હોવાથી કસ્ટમ્સ પાસે તે સોનું જમા પડી રહે છે. વર્ષના અંતે કે વર્ષ દરમિયાન કસ્ટમ્સના સત્તાવાળાઓ તે સોનું હરાજી કરવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને સુપરત કરી દે છે.
બીજીતરફ વડોદરા એરપોર્ટ પર પણ માર્ચ મહિનાથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ચાલુ થઈ રહી છે. તેથી વડોદરામાં પણ કસ્ટમ્સ ક્લિયરન્સ માટેની તમામ સુવિધા ઊભી કરવાનું આયોજન કરી દેવામાં આવ્યું હોવાનું કસ્ટમ્સના ટોચના સૂત્રોનું કહેવું છે. વડોદરામાં બેગેજ ક્લિયરિંગની, સ્કેનિંગની, તેમજ કસ્ટમ્સ ઓફિસ ઊભી કરવાની કામગીરી આગામી પંદરમી માર્ચ પહેલા ઊભી કરી દેવામાં આવશે. વડોદરામાં કસ્ટમ્સ ક્લિયરન્સ માટે 5 સુપરિન્ટેન્ડન્ટ અને પાંચ ઈન્સ્પેક્ટર્સ મૂકવામાં આવશે.