gujarat24

ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ને 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફિચર ફિલ્મ સહિત ત્રણ એવોર્ડ જાહેર

70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ગુજરાતની ફિચર ફિલ્મ કચ્છ એક્સપ્રેસને રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફિચર ફિલ્મ એવોર્ડ મળ્યો છે. મહિલા સશક્તીકરણનો મુદ્દો મજબૂત રીતે રજૂ કરતી આ ફિલ્મ વિવેચકોએ ખૂબ વખાણી હતી.

આ ફિલ્મના નિર્માતા સોલ સૂત્ર એલએલપી છે તેમજ દિગ્દર્શનક વિરલ શાહ છે. તેઓને રૂ. 2 લાખ રોકડ પુરસ્કાર જાહેર થયો છે. જ્યારે આ સાથે કચ્છ એક્સપ્રેસની મુખ્ય ભૂમિકામાં રહેલી અભિનેત્રી માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો એવોર્ડ જાહેર થયો છે. જેમને શેરિંગમાં રૂ. 2 લાખનો પુરસ્કાર તેમજ રજત કમલ એનાયત થશે.

આ ઉપરાંત, કચ્છ એક્સપ્રેસ ફિલ્મ માટે શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઈનરનો એવોર્ડ નિકી જોશીના ફાળે ગયો છે. આ માટે નિકી જોશીને રૂ. 2 લાખ રોકડ પુરસ્કાર અને રજત કમલ પ્રદાન કરાશે.

રાષ્ટ્રીય પુરસ્કારની શરૂઆત
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દેશનો સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ પુરસ્કાર છે. તેની શરૂઆત 1954માં થઈ હતી. આ કાર્યક્રમનું આયોજન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. આ પછી રાષ્ટ્રપતિ આ પુરસ્કારોનું વિતરણ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *