Khedut Success Story: સાગબારા તાલુકાના ટેલીઆંબા ગામના ધીરસિંહભાઈ મગનભાઈ વસાવા પણ એમાંના એક પ્રગતિશીલ ખેડૂત છે, જેઓ છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે. તેમની પાસે માત્ર સવા એકર જમીન છે, ઓછી જમીનમાં તેઓ પ્રાકૃતિક ખેતી કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યાં છે. માધ્યમો સાથેના સંવાદમાં વસાવાએ જણાવ્યું કે, સવા એકરમાં આયોજનબદ્ધ અને તબક્કાવાર દૂધી, કારેલા, કાકડી અને ટામેટાના શાકભાજી પાક લઈને ખુબ જ સારી સીઝનલ કમાણી કરી રહ્યો છું.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
તેઓએ કહ્યું કે, આત્મા પ્રોજેક્ટ દ્વારા તાલીમ મેળવીને હું પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરાયો હતો. વધુમાં રીલાયન્સ ફાઉન્ડેશન અને ઇનરેકા સંસ્થાનના સહયોગથી મને બાયોગેસ્ટર પ્રાપ્ત થયું છે. જેમાંથી પ્રાકૃતિક તત્વોના મિશ્રણથી તૈયાર થયેલા જીવામૃતના વેચાણથી પણ હું સારી કમાણી કરી રહ્યો છું. પહેલા હું રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ બંદ કર્યા બાદ હવે બાયો ગેસ્ટરમાંથી (જીવામૃત) પ્રવાહી સ્વરૂપે તૈયાર થનાર ખાતરનો ખેતીમાં ઉપયોગ કરતા મને ખુબ જ સારા પરિણામો અને આવક મળ્યા છે.
નોંધનીય છે કે, વસાવા ઉપલબ્ધ થયેલ બાયો ગેસ્ટરમાં છાશ, ગૌમૂત્ર, છાણ, ગોળ, ચોખાના યોગ્ય મિશ્રણથી 45 દિવસમાં આ ખાતર તૈયાર થાય છે જેનું તેઓ 30 રૂપિયા લીટરના ભાવે વેચાણ કરીને સારી આવક પણ મેળવી રહ્યાં છે. તેઓએ સ્વયં પોતાના ખેતરમાં આ ખાતરનો ઉપયોગ કરીને સારુ પરિણામ મેળવ્યું છે. સિઝન દીઠ પાક લઈને માત્ર સવા એકરમાં રૂપિયા 8 લાખની માતબર આવક મેળવી રહ્યાં છે.
આજે પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે, રાસાયણિક ખેતીનું પ્રમાણ વધવાથી જળ, જમીન-વાયુ પ્રદુષણ વધ્યું છે. સામાન્ય રીતે ખેતીમાં રસાયણિક ખાતરોનો ઉપયોગ શા માટે ન કરવો તેને સામાન્ય ભાષામાં સમજીએ તો અગાઉ ખેડૂતો વધુ ઉત્પાદનના ચક્કરમાં પાકમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતાં થયા, રાસાયણિક ખાતરોથી ઉત્પાદન તો ખુબ સરસ મળ્યું, પરંતુ ધીમે ધીમે પાકની ઉત્પાદન ક્ષમતા અને ગુણવત્તામાં ઘટાડો નોંધાયો, કીટક લાગવાના કારણે પાક નબળો બન્યો. ખેડૂતોએ તેનો ઉપાય શોધ્યો અને જંતુનાશક દવાઓનો પણ ઉપયોગ શરૂ કર્યો.
જો કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો વધુ પડતાં ઉપયોગના કારણે ખેડૂતોને ખેતીમાં લાગત વધવા લાગી, પરિણામે નફામાં નિરંતર ઘટાડો નોંધાયો અને અંતે ખેડૂતો દેવામાં પડ્યા….ટૂંકમાં કહીએ તો રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓમાં વધારે પડતા ખર્ચના કારણે પાકમાં મળવા પાત્ર નફો ઘટ્યો અને ખર્ચ વધ્યો.
આ પ્રશ્નના નિરાકરણ અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપ્યું. નર્મદા જિલ્લા વહીવટી તંત્ર, ખેતીવાડી વિભાગ તથા આત્માપ્રોજેક્ટના અધિકારીઓ, કર્મચારીઓએ પ્રાકૃતિક ખેતીને અનુલક્ષીને શિબિરો, ઝુંબેશો, કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમો થકી જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અને પ્રોત્સાહિત કરવા માટે જાગૃતિ સાથે સરાહનીય કામગીરી કરી છે.
નર્મદા જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતીનું મહત્વ હવે ધીરે-ધીરે સમજતા થયા. આજે ખેડૂતોનો પ્રાકૃતિક ખેતીમાં લાગત ઘટી છે, આવક અને ઉત્પાદન વધ્યો છે તેમજ બજાર ભાવ અને વેચાણમાં પણ વધારો નોંધાયો છે. ધીરસિંહભાઈ વસાવા પણ પ્રાકૃતિક ખેતી અંગે અન્ય ખેડૂતોને જાગૃત કરી રહ્યાં છે. પ્રાકૃતિક ખેતી તરફ નર્મદા જિલ્લો અગ્રેસર દિનપ્રતિદિન બન્યો છે.