gujarat24

રાજ્યની પ્રાથમિક શાળાના 41 લાખ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત કેલરી-પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર અપાશે,નિર્ણય કરનારું ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય

રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના દ્વારા આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા પઢાઈ ભી, પોષણ ભીના ધ્યેયને સાકાર કરવા સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત આ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના નામાભિધાન સાથે શરૂ થનારી આ નવી યોજના હેઠળ રાજ્યની 32,277 શાળાના અંદાજે 41 લાખ વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલાં પ્રાર્થના સમયે પૌષ્ટિક અલ્પાહાર પીરસવામાં આવશે.

રાજ્યના આદિજાતિ વિસ્તારના બાવન તાલુકા તથા બિન આદીજાતિ વિસ્તારના 29 વિકાસશીલ તાલુકાની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળામાં બપોરના ભોજન ઉપરાંત દૂધ સંજીવની યોજના અન્વયે 200 મિલિગ્રામ ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવે છે. આવા 81 તાલુકાઓની 12,522 શાળાઓમાં નોંધાયેલા 15.05 લાખ વિદ્યાર્થીઓને પી.એમ. પોષણના બપોરના ભોજન પછીની નાની રિસેસમાં આ પૌષ્ટિક અલ્પાહાર અપાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં સુપોષિત ગુજરાત મિશન હેઠળ રાજ્યની પોષણલક્ષી યોજનાઓ વધુ સુદ્રઢ કરીને તેનો વ્યાપ વિસ્તારવા આ પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરવામાં આવશે. રાજ્યમાં પી.એમ. પોષણ યોજના હેઠળ વિદ્યાર્થીઓને અપાતા કેલરી-પ્રોટીનયુક્ત ગુણવત્તાસભર બપોરના ભોજન ઉપરાંત આ નવી યોજનામાં સપ્તાહ દરમિયાન ખાંડેલા સીંગદાણા સહિતની સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ તથા શ્રી અન્ન(મીલેટ)માંથી બનાવેલી ખાદ્ય સામગ્રી અલ્પાહાર સ્વરૂપે અપાશે.

આ હેતુસર મટીરીયલ કોસ્ટ માટે રૂપિયા 493 કરોડ તથા પૌષ્ટિક અલ્પાહાર તૈયાર કરવાની વધારાની કામગીરી માટે માનદવેતન ધારકોને 50 ટકા માનદવેતન વધારા માટે રુપિયા 124 કરોડ મળીને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે સમગ્રતયા વાર્ષિક રુપિયા 617 કરોડનો વધારાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

તદ્અનુસાર, પી.એમ. પોષણ યોજનાના માનદવેતનધારક સંચાલકને હવે રુપિયા 4500નું માસિક માનદવેતન, 26 કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓના કૂક કમ હેલ્પરને માસિક રુપિયા 3750 તથા નાની શાળાઓ માટે વધારાના સ્ટાફ-હેલ્પરને માસિક રુપિયા 1500 માનદવેતન આપવામાં આવશે.

આ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો અમલ થવાથી સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓના શિક્ષણ સહ પોષણ, આરોગ્ય અને શારીરિક સૌષ્ઠવના માપદંડો પર મોટી હકારાત્મક અસરો પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત @ 2047ના કરેલા આહવાનમાં વિકસિત ગુજરાતના નિર્માણથી રાજ્યને અગ્રેસર રાખવા ભાવિ સ્વસ્થ-તંદુરસ્ત અને સુપોષિત પેઢી તૈયાર કરવામાં આ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાથી ગુજરાત દેશનું દિશાદર્શક બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *