દેવાધિદેવ પ્રભુ શિવજીના અર્ધાંગીની અખંડ સ્વરુપા મા કુળદેવી ઉમિયા માતાજીના પ્રાગટ્ય સ્થાન અને તિર્થસ્થાન પરથી પરંપરાગત મા કુળદેવી ઉમિયા માતાજીની ભવ્યાતિભવ્ય નગરયાત્રા નિકળશે. ઉંઝા ખાતેના મા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા વેશાખ સુદ પુનમ તારીખ 23 મે ના રોજ સવારે 08.30 વાગે મા કુળદેવી ઉમિયા માતાજીની પાલખી યાત્રા નિકળશે. દરવર્ષે વૈશાખ સુદ પુનમના શુભ દિવસે નિકળતી પાલખી યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થશે.
ઉમિયા માતાજી સંસ્થાનના માનદ મંત્રી દિલિપદાદા (નેતાજી)એ જણાવ્યું હતું કે 23 મેના રોજ સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે મા કુળદેવી ઉમિયા માતાજીનું પુજન કરાશે. મા ઉમિયા માતાજીની ભવ્ય દિવ્ય મહાઆરતી બાદ મા ઉમિયાજીને પાલખીમાં બીરાજમાન કરાશે.
ઉમિયા માતાજી સંસ્થાનના પ્રાંગણમાં ભવ્ય આકર્ષક મંડપમાં ઉપસ્થિત રાજકીય મહાનુભાવો, વિશિષ્ટ આમંત્રિત મહાનુભાવો અને સંસ્થાના તમામ હોદ્દેદારો ઉમિયા માતાજીની પાલખી યાત્રાને પ્રસ્થાન કરાવશે. બોલ મારી ઉમિયા જયજય ઉમિયાના પ્રચંડ જયઘોષ સાથે પાલખી યાત્રા નિકળશે. મા કુળદેવી ઉમિયા માતાજી ભક્તોને દર્શન આપવા માટે જ્યારે નગરચર્યા પર નિકળશે તે સમયે ઉંઝા શહેરમાં આનંદ, મંગલ અને ઉત્સાહ છવાઈ જશે. મા કુળદેવી ઉમિયા માતાજી પ્રત્યે અતુટ આસ્થા અને શ્રધ્ધા ધરાવતા હજારો શ્રધ્ધાળુ ભાઈ બહેનો, બાળકો અને વડીલો નગરયાત્રામાંજોડાશે. ભવ્યાતિભવ્ય નગરયાત્રામાં બેન્ડવાજા, ડીજે, મા ઉમિયાજીના ભક્તિ ગીતો, ધુન, બગીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે.
તેમણે ઉમેર્યું હતું તે દેશભરમાં કાર્યરત ઉમિયા માતાજીની સેવીકા બહેનો, મહિલા મંડળની સભ્ય બહેનો તથા વિવિધ કમિટીમા હોદ્દેદારો સહિત શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહેશે. મા ઉમિયા માતાજીની પાલખીયાત્રાનું શહેરના વિવિધ માર્ગો પર નગરજનો અને વિવિધ સંસ્થાઓના પદાધિકારીઓ દ્રારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવશે. વહેલી સવારે સાડા આઠ વાગે નિકળનારી ભવ્યાતિ ભવ્ય નગરયાત્રા બપોરે નીજ મંદિર પર પરત ફરશે. મા કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા પ્રત્યેક શ્રધ્ધાળુઓને પાણી, ચા કોફી ઉપરાંત નગરયાત્રા સંપન્ન થયા બાદ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે નગરયાત્રાના સફળ આયોજન માટે વિવિધ કમિટીના સભ્યો તમતોડ મહેનત કરે છે. મા કુળદેવી ઉમિયા માતાજી પ્રત્યે અતુટ આ્સ્થા અને શ્રધ્ધા ધરાવતા દાનેશ્વરી દાતાઓ વિવિધ ઉછમણીમાં હર્ષભેર ભાલ લઈ આયોજનને સફળ બનાવે છે.
ઉલ્લેખનીય છે કે મહાદેવી અખંડ સ્વરુપ મા કુળદેવી ઉમિયા માતાજીના પ્રાગટ્ય સ્થાન અને તિર્થસ્થાન ગણાતા ઉમિયા માતાજીના દર્શન કરવા માટે દરેક જ્ઞાતી, કોમના લોકો આવે છે. મા કુળદેવી તમામ શ્રધ્ધાળુઓની મનોકામનાઓ પરિપુર્ણ કરે છે. દરવર્ષે મા ઉમિયા માતાજીના દર્શનાર્થીઓની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે.