Ahmedabad News: અમદાવાદમાં પોતાનું વડુંમથક ધરાવનારા વૈવિધ્યસભર સમૂહ ચિરીપાલ ગ્રૂપે 18 ઑક્ટોબર, 2024ના રોજ તેમના સ્થાપના દિવસની ઉજવણી કરી હતી, જેમાં સ્પોર્ટ્સ આઇકન અને આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન પ્લેયર સુશ્રી સાઇના નેહવાલએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. સ્થાપના દિવસની આ ઉજવણીમાં હાલમાં જ સમાપ્ત થયેલા ચિરીપાલ સ્પોર્ટ્સ ફેસ્ટ 2024નો સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં સ્પેશિયલ અચીવર્સની સાથે અલગ-અલગ સાત રમતોના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
આ કાર્યક્રમ અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ બિઝનેસ સ્કુલ (એસબીએસ)ના વિશાળ કેમ્પસમાં યોજવામાં આવ્યો હતો. ચિરીપાલ ગ્રૂપના પ્રમોટરો વેદપ્રકાશ ચિરીપાલ, જ્યોતિપ્રકાશ ચિરીપાલ, જયપ્રકાશ ચિરીપાલ, બ્રિજમોહન ચિરીપાલ, દીપક ચિરીપાલ, વિશાલ ચિરીપાલ, રોનક ચિરીપાલ અને વંશ ચિરીપાલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા અને સાઇના નેહવાલની સાથે સ્ટેજ શેર કર્યું હતું.
આ સમારોહમાં ચિરીપાલ ગ્રૂપના પ્રમોટરોએ જ્ઞાનવર્ધક વક્તવ્યો આપ્યાં હતાં, જેમાં કંપનીની વિકાસયાત્રા, છેલ્લાં કેટલાક વર્ષો દરમિયાન તેણે સાધેલા વિકાસ અને ભવિષ્ય માટેના તેમના વિઝનનું પ્રતિબિંબ જોવા મળ્યું હતું.
ચિરીપાલ ગ્રૂપના પ્રમોટર રોનક ચિરીપાલએ જણાવ્યું હતું કે, છેલ્લાં 52 વર્ષોમાં ચિરીપાલ ગ્રૂપની વિકાસયાત્રા સ્થિતિસ્થાપકતા, નવીનીકરણ અને શ્રેષ્ઠતાની નિરંતર શોધને સમર્પિત રહી હતી. એક સામાન્ય શરૂઆત કરીને આજે અમે વિવિધ ઉદ્યોગોમાં મૂલ્યસર્જન કરવાના ઝુનૂનથી દોરવાઈને એક વૈવિધ્યસભર સમૂહનો આકાર લઈ લીધો છે. આજે અમે જ્યારે આ સીમાચિહ્નને ઉજવી રહ્યાં છીએ ત્યારે અમે અમારા લોકોના સમર્પણ અને અમારી આ લાંબી મજલમાં અમારા પર વિશ્વાસ રાખનારા અમારા ભાગીદારોના યોગદાન પર પ્રકાશ પાડવાની તક ચૂકીશું નહીં. ભવિષ્યનું વિચારીએ તો. અમારું વિઝન હજુ પણ એટલું જ સ્પષ્ટ છેઃ સીમાઓને આગળ ધકેલવાનું ચાલું રાખવું, સસ્ટેનેબલ પ્રેક્ટિસિસને અપનાવવી તથા ગતિશીલ ફ્યુચરમાં વિકાસ સાધવા માટે અમારું સશક્તિકરણ કરનારા નવીનીકરણના માહોલને પ્રોત્સાહન આપવું.
સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન શ્રી રોનક ચિરીપાલએ સાઇના નેહવાલની સાથે નિખાલસપણે વાતચીત કરી હતી. સાઇના નેહવાલએ તેમની સાથે બેડમિન્ટનના ક્ષેત્રમાં તેમની શાનદાર અને પ્રેરણાદાયી કારકિર્દીમાંથી મૂલ્યવાન પદાર્થપાઠ, વ્યક્તિગત કિસ્સાઓ અને વાતોને શૅર કરી હતી.
આ ઉજવણીના ભાગરૂપે એક ઓપન હાઉસ પણ યોજવામાં આવ્યું હતું, જેમાં સાઇના નેહવાલએ ચિરીપાલ ગ્રૂપના કર્મચારીઓની સાથે ઉત્સાહપૂર્વક વાતચીત કરી હતી, તેમની કારકિર્દી અને અનુભવોમાંથી ઊંડી જાણકારી પૂરી પાડી હતી.
સાઇના નેહવાલે 21 સપ્ટેમ્બરથી 5 ઑક્ટોબર, 2024 દરમિયાન યોજાયેલા ચિરીપાલ સ્પોર્ટ્સ ફેસ્ટ 2024ના વિજેતાઓ અને અચીવર્સને પુરસ્કૃત પણ કર્યા હતાં. આ કાર્યક્રમમાં સાત રમતોમાં સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમ કે બેડમિન્ટન, ટેબલ ટેનિસ, કેરમ, ક્રિકેટ, સ્વિમિંગ, રનિંગ અને ચેસ. ચિરીપાલ ગ્રૂપની વિવિધ કંપનીઓમાંથી 500થી વધારે કર્મચારીઓએ આ સ્પોર્ટ્સ ફેસ્ટમાં ભાગ લીધો હતો.
ચિરીપાલ ગ્રૂપના પ્રમોટર રોનક ચિરીપાલે જણાવ્યું હતું કે, ‘ચિરીપાલ સ્પોર્ટ્સ ફેસ્ટ યોજવા પાછળનો વિચાર ચિરીપાલ ગ્રૂપના કર્મચારીઓમાં ટીમ ભાવનાને પ્રોત્સાહન આપવાનો અને સ્પોર્ટ્સમાં તેમણે હાંસલ કરેલી સિદ્ધિઓને બિરદાવવાનો હતો. આ સ્પોર્ટ્સ ફેસ્ટની પ્રથમ આવૃત્તિની ભવ્ય સફળતા બાદ અમે સંગઠનની અંદર સૌહાર્દને સુદ્રઢ બનાવવા અને પરસ્પરના સંબંધોને મજબૂત બનાવવા આગામી વર્ષોમાં આ પહેલને ચાલું રાખવાની યોજના બનાવી રહ્યાં છીએ. ચિરીપાલ સ્પોર્ટ્સ ફેસ્ટ એ સામૂહિક સામર્થ્ય, ટીમવર્ક અને સફળ થવાના અથાક પ્રયત્નોની સાચી ઉજવણી છે.