Mahakumb Mela 2025: આગામી 29 જાન્યુઆરીએ મૌની અમાસ છે તે પહેલાં ઊત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ માટે શ્રદ્ધાળુઓનો માનવજુવાળ ઉમટી પડ્યો છે. આ સમયે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા માટે દેશ-દુનિયાથી લોકો પહોંચી રહ્યા છે. એજ કારણ છે કે આ રુટ માટે હવાઈ ભાડામાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
હાલમાં ભાડામાં લગભગ 600 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જો કે નિયામક ડીજીસીએ દ્વારા એરલાઈન કંપનીઓને મહાકુંભને ધ્યાનમાં રાખીને વિમાન ભાડું તર્કસંગત બનાવવા જણાવાયું છે. નોંધનીય છે કે અત્યાર સુધીમાં મહાકુંભમાં 12 કરોડ લોકો આસ્થાની ડુબકી લગાવી ચુક્યા છે અને 29 જાન્યુઆરીએ મૌની અમાસ પર અન્ય કરોડો શ્રદ્ધાળુઓ ત્રિવેણીમાં ડુબકી લગાવશે.
એરલાઈન ટિકિટ ટ્રેક કરતા ટ્રાવેલ પોર્ટલ અનુસાર દિલ્હીથી પ્રયાગરાજ માટેની હવાઇ ટિકિટના દર આસમાન પર છે. સોમવારે સવારે દિલ્હીતી પ્રયાગરાજની એરટિકિટના દર 21000 રૂપિયા ચાલી રહ્યા હતાં. મુંબઈથી પ્રયાગરાજની ટિકિટના દર પણ રૂપિયા 22,000થી 60,000ની વચ્ચે છે. બેંગલુરુથી આવતાં યાત્રાળુઓ વન-વે ટિકિટની કિંમત 26,000થી 48,000ની વચ્ચે ચુકવી રહ્યા છે. સામાન્ય રીતે આ શહેરોથી પ્રયાગરાજ વચ્ચેનું એકતરફી ભાડું લગભગ 5000થી 7000 રૂપિયા હોય છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગત 13 જાન્યુઆરીએ શરૂં થયેલ કુંભમેળો આગામી 26 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે. જો કે ડીજીસીએ દ્વારા 81 વધારાની ફ્લાઈટને મંજુરી આપવામાં આવી છે.