Ahmedabad News: S.P.રિંગરોડની ફરતે AUDA હસ્તકના વિસ્તારોમાં ગંદકી કરનાર સામે 500થી 25 હજાર સુધીનો AUDA દ્વારા દંડ વસુલાશે. AUDA (શહેરી વિકાસ સત્તા મંડળ)ની 301મી બોર્ડ બેઠકમાં દંડ વસુલવાનો નિર્ણય કરાયો છે. આ અંગે હાલ પ્લાનીંગ ચાલી રહ્યું છે. દિવાળી પછી અમલવારી થશે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
AUDA બોર્ડ બેઠક બાદ CEO ભવ્ય વર્માએ કહ્યું કે, સ્વચ્છતા ઝુંબેશના ભાગરૂપે દબાણ તથા કચરાનો નિકાલ યોગ્ય જગ્યાએ ન કરતા એકમો માટે દંડની જોગવાઈ માટેની ચર્ચા કરવામાં આવી હતી અને કડકાઇથી અમલ કરવા પણ સૂચના અપાઇ છે. ગઈકાલથી મિટીંગમાં અગાઉની બોર્ડ બેઠકમાં લોકહિતના કરાયેલા ઠરાવને બહાલી અપાઇ હતી.
AUDA CEO એ કહ્યું કે, લોકહિતમાં આગોતરા આયોજન માટે મહેકમની જરૂર પડશે. ઉપરાંત સફાઇ અભિયાન અંતર્ગત નવા નિયમોના કડક અમલ માટે હાલની સ્થિતીએ વધુ મહેકમ જોઇશું. જેના માટે વિવિધ વર્ગના લોકોની ભરતી કરાશે. નિયમ મુજબ ભરતી કરવા સરકારની મંજૂરી લેવાશે. મંજૂરી બાદ મહેકમ વધારાશે.
AUDA દ્વારા 2014 ડી.પી.પ્લાન તૈયાર કરતી વખતે નર્મદા વિભાગ અને કલેક્ટર કચેરીના રેકર્ડ ઉપરાંત સેટેલાઇટ ફોટા પરથી પાણી ભરાયેલા સ્થળોને વોટર બોડી (તળાવ) તરીકે દર્શાવાયા હતાં. ડી.પી.પ્લાન જાહેર થઇ ગયા પછી જે લોકોની જમીનમાં પાણી ભરાતું હતું, તેમાં તળાવ દર્શાવાતા સબંધિત જમીનમાં વિકાસ અટકી ગયો હતો. નકશામાં પર દર્શાવેલું તળાવ દૂર કરવા છેલ્લા 10 વર્ષથી જમીન માલિકો રજૂઆત કરતાં હતાં. પરંતુ બોર્ડ મિટિંગમાં કોઇ નિર્ણય જ લેવાતો નહતો. પરંતુ નવા CEO આવ્યા પછી 16માંથી 7 અરજી ગ્રાહ્ય રાખી ડી.પી.પ્લાનમાંથી તળાવ દૂર કરવા સરકારની મંજૂરી માંગી છે. 5 અરજીમાં વિગતો મંગાવાઇ છે. હાલ 4 અરજી પેન્ડિંગ છે. આગામી બોર્ડમાં બેઠકમાં નિર્ણય લેવાય તેવી શક્યતા છે.