Ahmedabad News: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહે અંતરનો આનંદ વ્યક્ત કરતા કહ્યું કે, હવે આ તમામ લોકો ભારતના નાગરિક ગણાશે, ગર્વભેર જીવન જીવી શકશે. આ 188 નાગરિકો અન્ય શરણાર્થી નાગરિકો માટે ઉદાહરણ સમાન છે. આગામી સમયમાં તેમનાં સંતાનો ઉદ્યોગપતિ, જનપ્રતિનિધિ જેવા પદો મેળવી દેશસેવા કરશે, એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે મારા ગૃહરાજ્ય ગુજરાતમાં આ પરિવારોને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવા બદલ ગુજરાત સરકાર અને જનગણના વિભાગને વિશેષ અભિનંદન પાઠવું છું. ભૂતકાળમાં થયેલા અન્યાયનો ઉલ્લેખ કરતા અમિતભાઈ શાહે જણાવ્યું કે, 1947થી 2014 સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન સહિતના દેશોમાંથી પ્રતાડિત થનાર નાગરિકોને અત્યાર સુધી નાગરિકતા ન આપીને દેશમાં પણ પ્રતાડિત કરાયા. પરંતુ નરેન્દ્રભાઇએ વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ શરણાર્થી નાગરિકોને ન્યાય અને નાગરિકતા બંને મળ્યા છે, એમ તેમણે ઉમેર્યું હતું.
વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, આઝાદી બાદ ધર્મના આધાર પર ભારતનું વિભાજન થયા બાદ પાડોશી દેશના લઘુમતી સમુદાયો પર અનેક પ્રકારના ઝૂલ્મ ગુજારવામાં આવ્યા. કેટલાકે પરિવાર ગુમાવ્યા તો કેટલાકે જીવનભરની મહેનતથી બનાવેલી સંપત્તિ ગુમાવી. પરંતુ તેમને ન્યાય ન મળ્યો. આખરે દાયકાઓથી અધૂરું રહેલું કાર્ય નરેન્દ્રભાઈએ પૂર્ણ કર્યું, એમ તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, 2019માં નાગરિકતા સંશોધન અધિનિયમ સંસદમાંથી પસાર થયા બાદ કાયદો બન્યો. જે કાયદા હેઠળ આજે 188 નાગરિકોને પ્રમાણપત્ર પણ એનાયત થઈ રહ્યા છે, એનો આનંદ છે. અન્ય શરણાર્થીઓને આશ્વસ્ત કરી તેમણે નાગરિકતા માટે ઝડપથી અરજી કરવાની અપીલ કરી હતી.
અમિત શાહે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના ગરીબ, યુવા, ખેડૂતો અને મહિલાઓના વિકાસને લક્ષ્ય બનાવી કેન્દ્ર સરકાર કામગીરી કરી છે. બીજી તરફ ભવ્ય રામમંદિર, કાશી વિશ્વનાથ કોરિડોર અને શક્તિપીઠ પાવાગઢની કાયાપલટ કરી સરકારે વિરાસતની જાળવણી પણ કરી છે, એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે યોજાયેલા નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે 188 જેટલા નિરાશ્રિતોને નાગરિકતા આપવાનું ભગીરથ કાર્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ માં શક્ય બન્યું છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, જે કહેવું તે કરવું તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો સંકલ્પ રહ્યો છે. તેમણે ગૃહમંત્રી અમિતભાઈ શાહના નિર્ણાયક નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે, અમિતભાઈ શાહે આતંકવાદ અને નક્સલવાદનો મજબૂતીથી ખાત્મો કરી દેશને સુરક્ષિત કર્યો છે.
મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગૃહમંત્રી અમિતભાઈ શાહે સીએએ તથા વર્ષો જૂના કાયદામાં બદલાવ લાવી વિકસિત ભારતની સંકલ્પનામાં ફાળો આપ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આપણો ભારત દેશની સનાતન હિંદુ સંસ્કૃતિ ભાઈચારો અને વસુધૈવ કુટુમ્બકમ માનનારો દેશ છે. અને જી -20 જેવાં આયોજનો તેની સાક્ષી પૂરે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે, દેશ 1947માં આઝાદ થયો તે પહેલા ધર્મ અને જાતિમાં વિભાજિત હતો. પણ જયારે મહાત્મા ગાંધી અને સરદાર પટેલે સ્વરાજ અપાવ્યું ત્યારે પૂજ્ય બાપુએ કહેલું કે, વિદેશમાં વસતા વિવિધ ધર્મના લોકોને ભારતમાં આવવું હોય તો સ્વાગત છે, દાયકાઓ બાદ આજે ગુજરાતના બે પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે પૂજ્ય બાપુના સંકલ્પને ખરા અર્થમાં સાકાર કર્યો છે, તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૌરવભેર ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વસનીય અને મજબૂત દેશ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસ્થાપિત થયો છે. નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં વિદેશમાં વસતા ભારતીયોની સુરક્ષા માટે ઓપરેશન ગંગા કે પછી ઓપરેશન અજય જેવા અનેક ઓપરેશન સફળતાપૂર્વક પાર પડાયા છે.
આ પ્રસંગે રાજ્યના જનગણના નિયામક આદ્રા અગ્રવાલે સ્વાગત સંબોધન કરતા નાગરિકતા સંશોધન કાયદાને ભારતીય સંસ્કૃતિની કરુણા અને ઉદારતાના પ્રતીક સમાન ગણાવ્યો હતો.
આજના સમારોહમાં રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, અમદાવાદનાં મેયર પ્રતિભા જૈન, સર્વ ધારાસભ્યઓ, ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, રાજ્યના ગૃહ સચિવ નિપુણા તોરવણે, અમદાવાદનાં કલેકટર સુપ્રવીણા ડી.કે, વિવિધ સમાજના અગ્રણીઓ, સિંધ માયનોરિટી માઇગ્રન્ટ્સ એસોસિયેશનના પ્રમુખ, સભ્યઓ તેમજ પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર 188 લાભાર્થીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતાં.