Amreli Letter Kand: અમરેલીના લેટરકાંડ અને પાટીદારની દિકરીના અપમાન મુદ્દે ભાજપમાં આંતરિક વિવાદ યથાવત છે. આ ઘટનાથી વધુનો સમય વિત્યા પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી વચ્ચે સૌરાષ્ટ્રમાં ભાજપના નેતાઓમાં ચાલતા આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં હવે આ લેટરબોમ્બ પાછળ પૂર્વ મંત્રી અને ઈફ્કોના ચેરમેન દિલિપ સંઘાણીનુ નામ ઉછળ્યું છે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
ભાજપના સ્થાનિક નેતાએ કરેલા આક્ષેપોથી વ્યથિત સંઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને અમરેલી લેટરકાંડની તપાસ હાઈકોર્ટના નિવૃત જજ પાસે કરાવવાની માંગણી કરી છે. એટલું જ નહીં, સત્યતાને બહાર લાવવા હું નાર્કોટેસ્ટ માટે તૈયાર છું એવું નિવેદન પણ જાહેર કર્યું છે.
સંઘાણીએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કહ્યું છે કે, અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરીયાએ પોલીસમાં જે ફરિયાદ આપી હતી તેમાં તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ મનિષ વઘાશીયા અને એક મહિલા સહિત કુલ ચારની ધરપકડ થઈ હતી. એ વેળા જેમની ધરપકડ થઈ હતી, તેઓ પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે માર મારીને લેટર લખાવવાને માટે મારૂ નામ તથા ભાજપના અન્ય આગેવાનોના નામ આપવા દબાણ કર્યું હતું તેવી હકીકત વઘાશિયાએ જાહેર કરી છે. મીડિયામાં નિવેદનો આપ્યા છે. એ મે જોયું છે. જે ગંભીર બાબત છે. અમેરલી પોલીસે પોતાની જાતે, પોલીસના કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજકીય પદાધિકારી કહે અને આ કાર્યવાહી કરી હોય તેવુ મારૂ માનવું છે. કોઈ સામાન્ય વ્યક્તિના કહે એટલેથી પોલીસ આ પ્રકારનું કૃત્ય ન કરે.
એટલે આ કેસમાં કહેવાતા સાચા કે ખોટા લેટરની સાથે તો મારે કોઈ જ લેવા દેવા નથી. આ બાબતે સત્યતા બહાર લાવવા મારે હું પોતે નાર્કો ટેસ્ટ માટે તૈયાર છુ, ફરીયાદી અને આ કેસ સાથે જોડાયેલા બે- ચાર વ્યક્તિના પણ નાર્કો ટેસ્ટ તો થવા જ જોઈએ. જેથી વાસ્તવિકતા સુધી પહોંચવામાં સરળતા રહે.