gujarat24

Bhadarvi Poonam 2024: અંબાજી ભાદરવી પૂનમ મહામેળો 2024 સંપન્ન, લાખો ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનૂભવી

Ambaji Mela 2024: અંબાજી ભાદરવી પૂનમનો મેળો 2024 અનેક રીતે યાદગાર અને અવિસ્મરણીય બની રહ્યો છે. આજે ભાદરવી પૂનમને મેળાના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુ માઇભક્તો મા અંબાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મા અંબાના આશીર્વાદથી ભાદરવી પૂનમનો મહામેળો સુખરૂપ સંપન્ન થયો છે. જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ્રના ચેરમેન મિહિર પટેલની અધ્યક્ષતામાં માતાજીનો મેળો સુખરૂપ પૂર્ણ થવાની ખુશીમાં મેળામાં લાખો માઇભકતોની નિસ્વાર્થ સેવા કરતા સેવા કૅમ્પોના આયોજકો અને મેળાને વિશ્વના ખૂણે ખૂણે પહોચાડતા પત્રકારશ્રીઓનો સત્કાર સમારોહ યોજાયો હતો. જેમાં તમામ સેવા કેમ્પોના આયોજકો, જિલ્લા માહિતી કચેરી પાલનપુર ટીમ અને પત્રકારોનું ઋણ સ્વીકાર કરતું પ્રમાણપત્ર આપી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી.

શક્તિપીઠ અંબાજીમાં લાખો કરોડો શ્રદ્ધાળુઓ આસ્થા શ્રદ્ધા વિશ્વાસ ધરાવતા હોઇ ચાલુ વર્ષે મેળામાં લાખોની સંખ્યામાં માઇ ભક્તો દર્શનાર્થે આવવાની ધારણા હતી. આટલી મોટી સંખ્યામાં માઇ ભક્તો મેળામાં આવતા હોય ત્યારે તેમના દર્શન , વિસામો, પાર્કિંગ ,આરોગ્ય, સુરક્ષા ,અને જાન માલની સુરક્ષાનું આયોજન અને વ્યવસ્થા પુરી પાડવા માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા મેળા માં યાત્રિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી કે અગવડ ન પડે એ પ્રકારનું આયોજન કરવાનો મોટો પડકાર હતો. ત્યારે વહીવટી તંત્ર અને સેવા કૅમ્પો ના આયોજકોના સંકલનથી માઈ ભક્તોની તમામ સુવિધાઓ સચવાઈ હતી. જ્યારે મેળાના પ્રસાર પ્રચારની કામગીરી પત્રકારોએ સુપેરે નિભાવી હતી.

જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે, કલેક્ટર તરીકે જવાબદારી નિભાવવાની ટૂંકા સમયમાં મેળાની બહુ મોટી જવાબદારી આવી હતી. સેવા કેમ્પોના આયોજકો સાથે સતત મીટીંગ અને સંકલનથી સમગ્ર આયોજન અને વ્યવસ્થાની રૂપરેખા તૈયાર કરી હતી. મેળાની વ્યવસ્થાઓનું સતત મોનીટરીંગ અને ફીડબેક લેવામાં આવ્યું હતું. દર વર્ષે વ્યવસ્થાઓ સારી હોય છે અને ઉત્તરોત્તર તેમાં સુધારો થઈ રહ્યો છે અને સારી વ્યવસ્થાઓ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોઈ લગ્નમંડપમાં પણ ન હોય એવા ભવ્ય સેવા કૅમ્પોના મંડપ બંધાયા હતા.

સેવા કેમ્પોના આયોજકો દ્વારા તંત્રની તમામ સૂચનાઓનું પાલન કરવામાં આવ્યું હતું. સેવા ભાવનાએ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ છે. પત્રકારોએ સમગ્ર મેળાને ઘર ઘર સુધી અને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડી અનન્ય સેવા કરી છે. મેળાના જીવંત પ્રસારણ દ્વારા લોકોને ઘરે બેઠાં મેળાની અનુભૂતિની કરાવી છે. વહીવટીતંત્રનું ધ્યાન દોરી વ્યવસ્થામાં સહયોગ આપ્યો છે. માતાજીની સેવા માની પત્રકારત્વ ધર્મ નિભાવ્યો છે. આપ સૌની સેવા ભાવનાને બિરદાવી હૃદય પૂર્વક આભાર માનું છું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે દવે અને જિલ્લા પોલીસવડા અક્ષય રાજ મકવાણા, મંદિર વહીવટદાર કૌશિકભાઈ મોદી, નાયબ માહિતી નિયામક કુલદીપ પરમાર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ, સેવા કેમ્પોના આયોજકઓ, જિલ્લા માહિતી કચેરી સ્ટાફ અને જિલ્લાના ઇલેક્ટ્રોનિક/પ્રિન્ટ મીડિયાના તંત્રીઓ અને અંબાજીના સ્થાનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *