Palanpur News: રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકોની આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂત લક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષ 2024 માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આગામી 6 ડિસેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતેથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થશે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
બનાસકાંઠા જિલ્લા સ્થિત સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા ખાતે મેજર ધ્યાનચંદ સ્પોર્ટસ ગ્રાઉન્ડ સંકુલ મુકામે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સવારે 9 કલાકથી રાજય કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાશે. આ સાથે તારીખ 6 અને 7 ડિસેમ્બર 2024 દરમિયાન જિલ્લાના તમામ તાલુકાઓ ખાતે પણ આ કૃષિ મહોત્સવનું આયોજન હાથ ધરાશે. બનાસકાંઠા જિલ્લામાં રાજય કક્ષાનો 1(એક) અને તાલુકા કક્ષાના 13 (તેર) કુલ મળીને 14 કાર્યક્રમ યોજાશે.
રવિ કૃષિ મહોત્સવ 2024ના સુચારુ આયોજનને લઈને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી,પાલનપુર ખાતે સબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી જેમાં કાર્યક્રમને અનુરૂપ સુચારુ કામગીરીની સોંપણી કરાઈ હતી. આ બેઠકમાં સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.