આજથી સમગ્ર દેશમાં વિઘ્નહર્તા ભગવાન શ્રીગણેશની આરાધનાના પર્વની શરૂઆત થઈ રહી છે. આજે લોકો ભાવપૂર્વક પોતાના ઘરે ગણેશજીનું સ્થાપન કરી 10 દિવસ સુધી ભક્તી કરશે. ત્યારે વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 07-09-2024ને શનિવાર-ગણેશ ચતુર્થી-ગણેશ ચોથ-ભાદરવા સુદ-4ના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને હજારીગલ-ગુલાબ વગેરે ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
મહત્ત્વનું છે કે, આજે સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા સવારે 07:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. સાથો સાથ દાદાને ચુરમાના લાડુંનો અન્નકૂટ ધરાવામાં આવ્યો હતો.
ગણેશ ચતુર્થી નિમિત્તે શ્રીહરિ સવારે 08:00 કલાકે પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો-પૂજા પાઠ-કરી ગણપતિદાદાનું પૂજન-અર્ચન કરી પૂજારી સ્વામી (અથાણાવાળા)દ્વારા ગણપતિજીની આરતી કરવામાં આવ્યું હતું. હજારો ભક્તોએ પ્રત્યક્ષ આ અનેરા દર્શનનો તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.