ભગવાન શિવજીની આરાધનાના પર્વ એવાં પવિત્ર શ્રાવણ મહિનાની આજથી શરૂઆત થઈ ગઈ છે. ઠેર-ઠેર શિવ ભક્તો શિશ ઝૂકાવી શિવજીને પ્રસન્ન કરી રહ્યા છે. આજે સોમવારથી જ શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે. ત્યારે સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આજે દાદાને વિશેષ શિવજી અને કેદારનાથ મંદિરની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવાયા છે અને સિંહાસને હિમાલયનો વિશેષ શણગાર કરાયો છે.
મહત્ત્વનું છે કે, આજે સવારે શણગાર આરતી શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આજે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના મોંઘેરા દર્શનનો લ્હાવો લીધો હતો. આજે દાદાને 250 કિલો અન્નકુટ પણ ધરાવાયો છે. હરિપ્રકાશ સ્વામીએ હનુમાનજી મંદિર પરિસરમાં સ્થિત નિલકંઠ મહાદેવ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હરિપ્રકાશ સ્વામીએ શિવજીની પૂજા કરીને ભક્તો માટે મંગલ કામના કરી હતી.
આજે દાદાને કરાયેલાં શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે, આજે શિવજીને પ્રિય સોમવારથી જ શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે અને આજે પહેલો સોમવાર છે. ત્યારે દાદાના ગર્ભગૃહ અને સિંહાસને હિમાલયનો શણગાર કરાયો છે. તો દાદાને આજે શિવજી અને કેદારનાથ મંદિરની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવાયા છે. આ વાઘા અને હિમાલયનો શણગાર બનાવવા માટે એક અઠવાડિયા જેટલો સમય લાગ્યો છે. આ શણગાર અહીં કરતાં 3 કલાકનો સમય લાગ્યો હતો. તો આજે 250 કિલો ડ્રાયફ્રુટની મીઠાઈનો અન્નકુટ ધરાવાયો છે.