Gandhinagar News: ગાંધીનગરના ગ રોડ પર ચાર દિવસ પુર્વે અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. આ બનાવમાં એક્ટિવા ચાલકને લીવરના ભાગે ગંભીર ઇજા થતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. અકસ્માત બાદ વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
આ બનાવ ગત તારીખ 9 ઓક્ટોબરના રોજ રાત્રે સાડા આઠ કલાક આસપાસ બન્યો હતો. સેક્ટર-4માં રહેતો અને પેથાપુરમાં ઈલેક્ટ્રિકનો વ્યવસાય કરતો પ્રકાશ જીવાજી માળી (ઉવ.28) બનાવની રાત્રે એક્ટિવા લઈને ગ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ગ-3 પાસે પાંચ-છની ચોકડી નજીક એક અજાણ્યા વાહન ચાલકે તેના એક્ટિવાને ટક્કર મારી હતી.
આ બનાવમાં પ્રકાશ એક્ટિવા સાથે નીચે પટકાયો હતો. તેને હાથના કાંડા, નાક તથા લિવરના ભાગે ઇજા થઇ હતી. સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે ખાનગી દવાખાને લઇ જવાયો હતો.
પ્રાથમિક નિદાનમાં અકસ્માતના કારણે પ્રકાશનું લિવર ડેમેજ હોવાનું જણાયુ હતું. આથી તેની સર્જરી કરવામાં આવી હતી. જોકે, સારવાર કારગત નિવડે તે પુર્વે તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત દરમિયાન વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પ્રકાશના મોત બાદ તેના ભાઈએ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવાત પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.