gujarat24

Gandhinagar: એક જ વ્યક્તિના બે નામને બર્થ સર્ટિફિકેટમાં રાખવા પરિપત્ર જાહેર, હવે ઉર્ફે શબ્દ માન્ય રહેશે, સુધારા માટે અપીલ નહીં કરવી પડે

Gandhinagar News: મુખ્ય રજિસ્ટ્રારે બુધવારે નવો પરિપત્ર જારી કરીને જાણકારી આપી છે કે જન્મ-મરણ રજિસ્ટ્રેશનમાં, જો કોઈ વ્યક્તિના બે નામ હોય, તો તેવા બંને નામો જન્મ પ્રમાણપત્રમાં “ઉર્ફે” શબ્દની સાથે દાખલ કરવા મંજુરી આપવામાં આવશે. અગાઉ, કોઈ વ્યક્તિના બે નામો કે અન્ય સુધારાઓ માટે તલાટીથી જિલ્લા રજિસ્ટ્રાર સુધી અરજી સ્વીકારવાની પ્રક્રિયા હતી, અને ઘણીવાર અરજી નામંજૂર થતી હતી. જેને કારણે અપીલ કરવાની ફરજ પડતી હતી. હવે આ નવી સુવિધાથી અરજદારોને અપીલ અને તેની લાંબી પ્રક્રિયાથી મુક્તિ મળશે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

આરોગ્ય કમિશનર અને મુખ્ય રજિસ્ટ્રાર (જન્મ-મરણ) હર્ષદ પટેલની સહી સાથે બુધવારે પ્રસિદ્ધ કરાયેલા પરિપત્રમાં તમામ રજિસ્ટ્રારોને જાણ કરવામાં આવ્યું છે કે, 12મી ઓગસ્ટ 2009 અને 18મી ફેબ્રુઆરી 2016ના પરિપત્રો 2 ડિસેમ્બર 2021થી રદ્દ કરવામાં આવ્યા છે. પરિપત્રમાં સ્પષ્ટ રીતે આદેશ આપવામાં આવ્યો છે કે આ પરિપત્રોના આધાર વિના નામ, તારીખ કે અન્ય કોઈ સુધારણાને લઈને અરજદારોની અરજી સ્વીકારવી અને તેનો યોગ્ય નિર્ણય લેવો. રજિસ્ટ્રારમાં એન્ટ્રી કરતી વખતે કોઈ કારકૂની ભૂલ થઈ હોય તો તે સુધારવી ફરજિયાત છે. આવી ભૂલોને અવગણીને અરજી નકારવી કે અપીલમાં જવાની જરૂર નહીં રહે.

મુખ્ય રજિસ્ટ્રારે ગત બુધવારે બહાર પાડેલા નવા પરિપત્રમાં સ્પષ્ટ કર્યું છે કે, નામ સુધારણાની અરજીના નિરાકરણ સમયે અરજદારની ઓળખ, પિતાનું નામ, અટક, જન્મતારીખ અથવા આ પૈકી કોઈ એક કે વધુમાં બદલાવની માંગ કરવામાં આવી છે કે નહીં, તે બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે. આ માટે, અરજદાર દ્વારા સમર્થનમાં આપેલા ફોટાવાળા ઓળખપત્રો અને અન્ય ઓળખ દસ્તાવેજોનું પણ ધ્યાન રાખવું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *