gujarat24

Gandhinagar: CM ભૂપેન્દ્ર પટેલનો નોન TP વિસ્તારની જમીન અંગે મોટો નિર્ણય, પ્રોપર્ટીના ભાવમાં ઘટાડો થતાં મધ્યમ વર્ગને થશે મોટો લાભ

Gandhinagar News: ​મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 8 શહેરો તથા ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં સમાવિષ્ટ નોન ટી.પી. વિસ્તારના જમીન ધારકોને હાલ ભરવા પડતા પ્રિમિયમમાં રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તદનુસાર, ડી-1 કેટેગરીમાં આવતા અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા), ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા), સુરત શહેરી વિકાસ સત્તામંડળ (સુડા), વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ (વુડા) અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રુડા) ડી-2 કેટેગરીમાં જુનાગઢ શહેરી વિકાસ સત્તામંડળ (જુડા), જામનગર શહેરી વિકાસ સત્તામંડળ (જાડા) અને ભાવનગર શહેરી વિકાસ સત્તામંડળ (ભાડા)ના વિસ્તારો ઉપરાંત ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં નોન ટી.પી. એરીયામાં 40 ટકા કપાત બાદ કરીને 60 ટકા જમીનનું પ્રિમિયમ વસુલ કરવામાં આવશે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને પરિણામે રાજ્યના ડી-1 અને ડી-2 કેટેગરીના 8 શહેરો અને ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં સમાવિષ્ટ નોન ટી.પી. વિસ્તારના જમીન ધારકોને કપાતમાં જતી જમીન ઉપર જે પ્રિમિયમ ભરવું પડતું હતું. તેમાંથી મુક્તિ મળશે અને માત્ર તેમની પાસે રહેનારા 40 ટકા કપાતના ધોરણો પછીના સુચિત પ્લોટના અંતિમ ખંડના ક્ષેત્રફળ જેટલા જ વિસ્તારનું પ્રિમિયમ ભરવાનું રહેશે.

ભૂપેન્દ્ર પટેલના આ પ્રજાલક્ષી નિર્ણયથી નોન ટી.પી. વિસ્તારમાં 40 ટકા કપાતની જમીનના ભરવાના થતા મહેસુલી પ્રિમિયમની રકમમાંથી મુક્તિ મળવાના કારણે બાંધકામ ક્ષેત્રે પ્રોપર્ટીની કિમતોમાં ઘટાડો થશે અને તેનો સીધો લાભ મધ્યમ વર્ગના પરિવારોને મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ એવી વિવિધ રજુઆતો આવી હતી કે રાજ્યમાં આ શહેરી વિકાસ સત્તામંડળોમાં સમાવિષ્ટ વિસ્તારો પૈકી નગર રચના યોજના જાહેર ન થઈ હોય એવા નોન ટી.પી.માં સમાવિષ્ટ વિસ્તારોમાં 40 ટકા જમીન કપાત કરીને પ્લોટ વેલીડેશન સર્ટીફિકેટ ઈશ્યુ કરીને અંતિમ ખંડની ફાળવણી કરવામાં આવે છે.

આના પરિણામે કબ્જેદારને અંતિમ ખંડ તરીકે 60 ટકા અને સંબંધિત સત્તામંડળને 40 ટકા જમીન કપાત પેટે સંપ્રાપ્ત થાય છે.આવા કિસ્સાઓમાં કબ્જેદાર પાસે બાકી રહેતી 60 ટકા જમીન અથવા ખરેખર કપાત બાદ બાકી રહેતી જમીન માટે જ ખેતીથી ખેતી તેમજ ખેતીથી બિનખેતીનું પ્રિમિયમ વસુલ કરવું જોઈએ. એટલું જ નહિ, જ્યાં ટી.પી. લાગુ થઈ હોય ત્યાં કપાત અને રાખવાપાત્ર જમીનનું ધોરણ 40 ટકા અને 60 ટકાનું છે એજ રીતે જ્યાં ડેવલપમેન્ટ પ્લાન-ડી.પી લાગુ થયો હોય ત્યાં પણ આ જ ધોરણ એટલે કે, 40 ટકા અને 60 ટકાનું રાખવુ જોઈએ.

મુખ્યમંત્રીસમક્ષ એવી પણ રજુઆતો આવી હતી કે, વર્ષ 2018ના ઠરાવની જોગવાઈથી ટી.પી. વિસ્તાર કે ટી.પી.નો ઈરાદો જાહેર થયો હોય ત્યાં ‘એફ’ ફોર્મના ક્ષેત્રફળ મુજબ અથવા 40 ટકા કપાતના ધોરણો ધ્યાને લઈને અંતિમ ખંડ ઉપર ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીનું પ્રિમિયમ વસુલ કરવાનું ઠરાવવામાં આવ્યું છે.

તે જ રીતે નોન ટી.પી. વિસ્તારમાં પણ 40 ટકા કપાતનું ધોરણ ધ્યાને લઈને બચત રહેતી જમીનના ક્ષેત્રફળ વિસ્તાર જેટલું પ્રિમિયમ વસુલ લેવામાં આવે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને મળેલી આ વિવિધ રજુઆતોનો સર્વગ્રાહિ અભ્યાસ કર્યા પછી તેનો સકારાત્મક પ્રતિસાદ આપતા આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

હવે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ડી-1 અને ડી-2 કેટેગરીના તથા ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળોમાં જ્યાં ટી.પી. લાગુ થઈ નથી તેવા નોન ટી.પી. વિસ્તારમાં હવે પછીથી સંબંધિત સત્તામંડળ પાસેથી વેલીડેશન સર્ટિફિકેટ મેળવ્યા બાદ બાકી રહેતી 60 ટકા જમીન ઉપર ખેતીથી ખેતી અને ખેતીથી બીન ખેતીનું પ્રિમિયમ વસુલ કરવાના દિશા નિર્દેશો આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *