Gandhinagar News: રાજ્યના ગ્રાહકોને જીવન જરૂરીયાત વસ્તુઓની ખરીદીમાં કોઈ સમસ્યા ના થાય તે માટે ગુજરાત સરકારના ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા સતત અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના પરિણામે રાજ્યમાં ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા અત્યાર સુધીમાં કુલ 4,373 ફરિયાદોની મધ્યસ્થી તથા સમજાવટ કરીને ગ્રાહકોના હિતમાં ઉકેલ લાવવામાં આવ્યો છે, તેમ ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું.
તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ વર્ષ 2010થી ગ્રાહક સલાહકાર કેન્દ્રો રાજ્યના 21 જુદા- જુદા સ્થળે સ્થાપવામાં આવ્યાં હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વમાં ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા છેલ્લા 1 વર્ષમાં કુલ 6,009 ગ્રાહકોને નિ:શુલ્ક સલાહ તેમજ માર્ગદર્શન આપી તેમની સમસ્યાઓનું હકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા 12 લાખ રૂપિયાથી વધુની વાર્ષિક નાણાકીય સહાય ચૂકવવામાં આવી છે, તેમ મંત્રીએ કુંવરજીભાઈએ ઉમેર્યું હતું.
મંત્રી કુંવરજીભાઇએ વધુમાં જણાવાયું હતું કે, રાજ્યના ગ્રાહકોની સમસ્યાઓને નિવારવા માટે ગ્રાહક સુરક્ષા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. જેના ફળરૂપે આ કેન્દ્ર પરિણામલક્ષી કામગીરી કરી રહ્યું છે. ગ્રાહક સુરક્ષા કેન્દ્રના સહયોગથી અલગ કિસ્સાઓમાં કંપનીઓ દ્વારા 5 હજાર થી 20 લાખ રૂપિયા સુધીનો વળતર ગ્રાહકોને ચૂકવવામાં આવ્યું છે. જેમાં વીમા કંપનીઓ, ટ્રાવેલ્સ, પશુ વીમા, રિસોર્ટ વગેરે કંપનીઓનો સમાવેશ થાય છે.
વિવિધ યોજનાઓ થકી આપવામાં આવતી સહાય:
રાજયના ભાવી ગ્રાહકો વધુ સશક્ત અને જાગૃત બને તે માટે કન્ઝ્યુમર્સ ક્લબ યોજના અમલી બનાવી છે. આ યોજના હેઠળ ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા પ્રતિવર્ષ રાજ્યના તમામ જિલ્લાઓમાં અંદાજે 2,000 શાળાઓ અને 500 કોલેજ કક્ષાએ એક વર્ષ માટે કન્ઝ્યુમર્સ ક્લબ સ્થાપવામાં આવે છે. જેમાં ક્લબદીઠ 5,000ની નાણાકીય સહાય પણ ચૂકવવામાં આવે છે.
હેલ્પલાઇન નંબરથી જ ફરિયાદોનું નિવારણ:
રાજ્યમાં કોઈપણ નાગરિક –ગ્રાહકને વેપારી-વિક્રેતા સામે તાત્કાલિક ફરિયાદ નોંધાવી હોય તો તે માટે ગ્રાહક સુરક્ષા દ્વારા 18002330222 હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરી-24 સુધીની સ્થિતિએ આ નંબર પરથી છેલ્લા 5 વર્ષમાં કુલ 39 હજારથી વધુ ફરિયાદોનું સુખદ નિવારણ કરવામાં આવ્યું છે.
ગ્રાહકોને વધુ જાગૃત કરવા વિવિધ પ્રયાસો:
રાજ્યમાં ગ્રાહક સુરક્ષા માન્યતા પ્રાપ્ત કુલ 53 ગ્રાહક સુરક્ષા મંડળો કાર્યરત છે. આ મંડળો દ્વારા ગ્રાહકોને વધુ જાગૃત કરવાના ઉમદા આશય સાથે નાણાકીય વર્ષ 2023-24માં 222 શિબિર, 198 સેમિનાર, 97 વર્કશોપ, 98 પરિસંવાદ, 321 ગ્રામ શેરીસભા, 409 પ્રદર્શન-નિદર્શન, 104 વિડીયો શો, 34 ટી.વી. પ્રોગ્રામ અને 4 રેડિયો પ્રોગ્રામ કરી બહુઆયામી પ્રયાસો હાથ ધર્યા છે.
સાથે જ અંતરિયાળ વિસ્તારના ગામના ગ્રાહકોમાં પણ જાગૃતિ કેળવાય તેવા આશયથી કુલ 2 લાખથી વધુ ગ્રાહક જાગૃતિની પત્રિકા, 96 હજારથી વધુ પાક્ષિક-માસિક બુલેટીન, 20 હજારથી વધુ ભીંતપત્રો, પ્રેસનોટ, સસ્તા અનાજની દુકાન પર ફ્લેશ બેનર પર જાહેરાત, ગ્રાહક સુરક્ષાના કેલેન્ડર, સાહિત્ય, પેમ્ફ્લેટ છપાવીને તેનું વિતરણ કરવામાં આવે છે. સાથે-સાથે છેલ્લાં 5 વર્ષથી રાજ્યવ્યાપી એસ. ટી. બસ, સરકારી કચેરીઓ, ગ્રામ પંચાયત અને જિલ્લાઓના અગત્યના સ્થળો પર હોડિંગ ઉપર જાહેરાત કરી રાજ્યના ગ્રાહકોને માહિતગાર કરવામાં આવે છે.
નિયામક ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા ક્ન્ઝયુમર્સ અર્ફેસ એન્ડ પ્રોટેકશન એજ્ન્સી મારફતે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રતિનિધિઓને પણ સામેલ કરી લોકશાહી ઢબે નિર્ણય નિમાર્ણની કામગીરી હાથ ધરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ગ્રાહક કલ્યાણ નીધિના વ્યાજમાંથી ગ્રાહક સુરક્ષા મંડળને તાલુકા કક્ષાએ 75,000 જિલ્લા કક્ષાએ 1 લાખ અને મ્યુનિસિપલ કોપૉરેશન કક્ષાને 1.25 લાખની નાણાકીય સહાય વાર્ષિક ઘોરણે ચૂકવવામાં આવે છે.
અત્રે ઉલલેખનીય છે કે, રાજ્યના તમામ ગ્રાહકોને વધુ જાગૃત કરવા તેમજ પ્રચાર-પ્રસારની કામગીરી કરવા રાજ્ય સરકાર દ્વારા અગાઉ વર્ષ 2012માં 10 કરોડની ફાળવણી કરવામાં આવી હતી જે વધારીને 20 કરોડ કરવામાં આવી છે. ગ્રાહકોમાં વધુને વધુ જાગૃતિ માટે દર વર્ષે તારીખ 15મી માર્ચે ‘વિશ્વ ગ્રાહક દિવસ’ અને તા 24મી ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ તરીકે રાજ્યભરમાં ઉજવવામાં કરવામાં આવે છે.