Rupal Palli: ગાંધીનગરના રૂપાલ ગામ ખાતે આવેલા વિશ્વ પ્રસિધ્ધ વરદાયનિ માતાજીના મંદિરે પલ્લીનો મેળો તારીખ 11મી ઓકટોબર, 2024ના રોજ યોજાશે. આ પલ્લીના મેળાના સુચારું આયોજન અર્થે ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને જિલ્લાના અધિકારીઓ, મંદિરના ટ્રસ્ટી ગણના સભ્યો અને ગામના અગ્રણીઓની બેઠક યોજાઇ હતી.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મેહુલ દવે એ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં આવેલું રૂપાલ ગામનું વરદાયનિ માતાજીનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર ખાતે દર વર્ષે યોજાતો પલ્લીનો મેળો વિશ્વભરમાં સુપ્રસિધ્ધ છે. આ મેળો આગામી તારીખ 11મી ઓકટોબર, 2024ના રોજ યોજાનાર છે.
તેમણે ઉમેર્યું હતું કે, આ મેળો શાંતિપૂર્ણ માહોલમાં અને ભક્તોને કોઇપણ તકલીફ ન પડે તેવું સુચારું વ્યવસ્થા ગોઠવવાની જવાબદારી જિલ્લા વહીવટી તંત્રની છે. આ મેળાના સુચારું આયોજન અર્થે જિલ્લા કલેકટર મેહુલ દવેએ જણાવ્યું હતું કે, પલ્લીના મેળા દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા જણાવ્યું હતું. સમગ્ર મેળા દરમ્યાન શાંતિ જળવાઇ રહે અને સુલેહનો ભંગ ન થાય તે માટે ખાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવા જણાવ્યું હતું. તેની સાથે ભક્તો શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી શકે તેવી સુચારું વ્યવસ્થા પણ કરવાની સૂચના આપી હતી.
તેમણે ઉમેર્યું હતું કે, મેળા દરમ્યાન પ્રાથમિક સારવાર કેન્દ્ર ઉભા કરી તાત્કાલિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી અને દવાઓનો પૂરતો જથ્થો રાખવો. તેમજ પલ્લીમેળા દરમ્યાન 15 મેડીકલ સ્ટાફ સાથે તથા ત્રણ ડોકટર રાઉન્ડ ઘ કલોક ફરજ પર રાખવાની સૂચના આપી હતી. આ મેડીકલ ટીમ લાયબ્રેરી પાસે, માતાજીના મંદિર પાસે અને વેરાઇ મંદિરની સામે રાખવામાં આવશે. તેમજ 108ની ત્રણ એમ્બ્યુલન્સ તથા ફર્સ્ટ એઇડના ત્રણ પોઇન્ટ રાખવાના રહેશે. જેમાં એક પોઇન્ટ માતાના મંદિરમાં, બીજો પોઇન્ટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્રીજો પોઇન્ટ આંગવાડી કેન્દ્ર ખાતે રાખવામાં આવશે.
જિલ્લા કલેક્ટરે મેળામાં ડેપ્લીકેટ ઘીનું વિતરણ ન થાય તેની ખાસ તકેદારી રાખવા ખૌરાક અને ઔષધ નિયમન તંત્રને ભારપૂર્વક જણાવ્યું હતું. તેમજ ડેપ્લીકેટ ઘીનું વિતરણ ન થાય તે માટેની તપાસ કરવા માટે ખાસ ટીમો હાજર રાખવા પણ જણાવ્યું હતું. તેની સાથે ત્યાં ગુણવત્તા યુક્ત ખાધ ખોરાકનું વિતરણ થાય તેની પણ તકેદારી રાખવા જણાવ્યું હતું. તેની સાથે પલ્લીના મેળામાં આવતાં ભક્તોને સ્થળ ઉપર સરળતાથી જઇ શકે તે માટે કલોલ, ગાંધીનગર અને માણસા ડેપો મેનેજરોને ખાસ બસની સુવિધા ઉભી કરવા જણાવ્યું હતું. તેમજ મેળાની નજીકમાં એસ.ટી. સ્ટેન્ડ બનાવવા પણ સૂચના આપી હતી. તેની સાથે પોતાનું વાહન લઇ આવતાં દર્શનાર્થીઓને તેમના વાહન પાર્કિંગ કરી શકે તે માટે ખાસ પાર્કિગ સુવિધા ઉભી કરવા પણ સૂચના આપી હતી.
પલ્લીના મેળા દરમ્યાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને કાયદો વ્યવસ્થા જાળવાઇ રહે તેવું આયોજન કરવા પણ સંબંધિત અધિકારીને સૂચન કર્યું હતું. પલ્લીના મેળા દરમ્યાન આવતાં ભક્તોને પીવાનું શુધ્ધ પાણી સરળતાથી મળી રહે તે માટે વિવિધ સ્થળો ખાતે પાણી સ્ટોલ બનાવવા પણ જણાવ્યું હતું. તેની સાથે ગામના તમામ વિસ્તારમાં સ્વચ્છતા કરાવી અને દવાનો છંટકાવ કરવો.
જિલ્લા કલેકટરે ઉમેર્યું હતું કે, પલ્લીના મેળા દરમ્યાન વીજ પુરવઠામાં કોઇ બ્રેક ન પડે તેમજ જરૂર જણાય ત્યાં વીજની સુવિધા હંગામી કરી આપવા માટે યુ.જી.વી.સી.એલ.ને સૂચના આપી હતી. તેની સાથે પલ્લીના મેળાના માર્ગમાં આવતાં જોખમી વીજ વાયરો અને જોખમી મકાનોની ખાતરી કરી લેવી. તેની સાથે તમામ સ્થળ ભક્તોને માર્ગદર્શન આપે તે પ્રકારના સાઇન બોર્ડ લગાવવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું. આગ અકસ્માત થવાના પ્રસંગે કોઇ મોટી જાનહાની ન થાય તે માટે ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરવા પણ જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.જે.પટેલ, નિવાસી અધિક કલેકટર બ્રિજેશ મોડિયા (ઇ.ચા), વરદાયનિ માતાજી મંદિરના ટ્રસ્ટી નિતીનભાઇ પટેલ, રૂપાલ ગામના સરપંચ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.