Vadtal Swaminarayan Mandir: આગામી ગણતરીના દિવસોમાં વડતાલધામ દ્રિ શતાબ્દી મહોત્સવ ઉજવાશે. આ માટે વડતાલ મંદિરના સંત, પાર્ષદ અને ભક્તો તડામાર તૈયારી કરી રહ્યા છે. ત્યારે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાન શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવનદાસજી મેતપુરવાળા વિશે અમે તમને જણાવીએ.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
શાસ્ત્રી કૃષ્ણજીવનદાસજી સંસ્કૃત ભાષાના પ્રખર જ્ઞાતા અને સાહિત્ય સંશોધક હતા. શાસ્ત્રીજીએ તેમની હયાતીમાં આબાલ વૃધ્ધથી માંડી સહુ સત્સંગીને ઉપયોગી થાય તેવા મૂળ ગ્રંથો પરથી સંશોધનો કર્યાં હતા જે ‘સ્વામિનારાયણ જ્ઞાનમાળા’ તરીકે ખ્યાતિ પામ્યાં છે. શ્રીજી મહારાજે સ્થાપિત સત્સંગનું તત્ત્વજ્ઞાન ટૂંકમાં સમજાય તે માટેના શાસ્ત્રીજીના નમ્ર પ્રયાસોને સત્સંગ સમાજે વધાવ્યા છે.
શાસ્ત્રીજી બાળધૂન મંડળના પ્રણેતા અને સ્થાપક છે. સ્વામિનારાયણ મંત્ર ધૂનની આહલેક જગાડતા બાળધૂન મંડળો આજે ગુજરાતથી માંડી રાજસ્થાન મહારાષ્ટ્ર સુધીના ગામોમાં કાર્યરત છે. શાસ્ત્રીજી પછી તેમના શિષ્યો શાસ્ત્રી બાલકૃષ્ણદાસજી, ગોવિંદપ્રસાદ સ્વામી, શા.નારાયણચરણદાસજી, માધવ સ્વામી વગેરે ગુરુની બાળધૂન પ્રવૃત્તિને વેગ આપી રહ્યા છે.
શાસ્ત્રીજીએ મેતપુરથી બાળધૂન મંડળની સ્થાપના કરી હતી. શાસ્ત્રીજીનો મેતપુર સાથેનો નાતો 73 વર્ષનો રહ્યો છે. આથી તેમની અટક પણ ‘મેતપુરવાળા’ પડી ગઇ છે..! આખું મેતપુર સત્સંગને રંગે રંગાયેલું ગામ છે અને સંપ્રદાયમાં મોટું નામ છે સાથે મોટું યોગદાન પણ છે. શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવનદાસજીનો જન્મ શ્રાવણ સુદ-3: સંવંત 1961માં જ્યારે અક્ષરવાસ કારતક વદ-5 સંવંત 2051માં થયો હતો.
ગુરુ શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવનદાસજીની પ્રેરણા અને આશિર્વાદ સાથે શિષ્ય ગોવિંદ સ્વામી વડતાલ મંદિરની ઐતિહાસિક ઇમારતોનું કાયમ જતન કરતા રહે છે. સદગુરુ શાસ્ત્રી કૃષ્ણજીવનદાસજી સ્વામી ગુરુ સ્વામી દેવનંદનદાસજીની પ્રેરણાથી વડતાલ મંદિરની પ્રસાદીભૂત અને ઐતિહાસિક ઇમારતોની રંગ સજાવટથી તેની જાળવણી કરવાની એક કાયમી સેવાપ્રવૃત્તિ છે.
આખો મેતપુર સત્સંગ સમાજ આ સેવા પ્રવૃત્તિથી પ્રભાવિત છે અને સાથે એટલો સહયોગ પણ આપી રહ્યો છે અને આમે ય મેતપુર ગામ શાસ્ત્રી કૃષ્ણજીવનદાસજીનું ગણાય છે: શાસ્ત્રી કૃષ્ણજીવનદાસજી, શિષ્યો શાસ્ત્રી બાલકૃષ્ણદાસજી અને સ્વામી ગોવિંદપ્રસાદદાસજીએ સ્થાનિક અને મેતપુર સત્સંગ સમાજના સહયોગ સાથે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના નિમાડ પ્રદેશમાં 47 નૂતન મંદિરોના નિર્માણ કર્યાં છે જ્યારે વડતાલના પૂર્વ કોઠારી બાપુ સ્વામી ધંધુકાના સહયોયગ સાથે ભાલ પંથકમાં 9 નૂતન મંદિરોના નિર્માણ કર્યાં છે.
170 જિર્ણ મંદિરોનો જિર્ણોધ્ધાર
ગુજરાત મહારાષ્ટ્રના 170 જેટલા શિખરબંધ અને હરિમંદિરોનો જિર્ણોધ્ધાર કરવામાં આવ્યો છે. જેમાં ડાકોર, વિરસદ, ભરુચ, મુંબઇ વગેરેનો સમાવેશ થાય છે. વડતાલ ફરતેના પ્રસાદીના સ્થળોનો જિર્ણોધ્ધાર પણ મેતપુર સત્સંગના સહયોગથી થયો છે. આ ઉપરાંત ગણ્યા ગણાય નહીં એટલા બધા સેવાકાર્યો મેતપુરવાળા સંતમંડળના ઉપક્રમે થયાં છે. મેતપુર સત્સંગ સમાજ એટલે સેવાની એક અખંડ સરવાણી…!