Mehsana News: મહેસાણાથી વિસનગર હાઈવે પર આવેલ બાસણા મર્ચન્ટ કોલેજમાં BHMSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહેલ એક વિદ્યાર્થીનીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. આ ઘટનાને પગલે છાત્રોમાં આક્રોશ ફેલાયો હતો અને કોલેજના પ્રોફેસર દ્વારા તેઓને શિક્ષણ કાર્યમાં માનસિક ટોર્ચર કરવામાં આવતું હોઈ તેણીએ જીવન ટુંકાવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરતાં હડકંપ મચી ગયો હતો. જ્યારે આક્રોશિત વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં તોડફોડ મચાવી જયાં સુધી જવાબદારો સામે પગલાં નહીં ભરાય ત્યાં સુધી શિક્ષણ કાર્યથી દૂર રહી હડતાલ શરૂ કરતાં દોડધામ મચી છે.
મળતી વિગતો મુજબ, બાસણા મર્ચન્ટ કોલેજમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલના રૂમ નંબર બી-212માં બુધવારના રોજ બપોરના સુમારે BHMSના (હોમિયોપેથીક) પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ઉર્વશી શ્રીમાળી (19 વર્ષ) રહે, નગવાડા, સુરેન્દ્રનગર નામની વિદ્યાર્થીનીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાને પગલે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો.
કેમ્પસમાં હાજર 500થી વધુ વિદ્યાર્થીઓએ હોબાળો મચાવીને ભારે સુત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મુક્યું હતું. જયાં સુધી જવાબદારો સામે પગલાં નહીં ભરાય અને મૃતક છાત્રાને ન્યાય નહીં મળે ત્યાં સુધી શિક્ષણ કાર્યથી દૂર રહીને હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું. જયારે સહપાઠીઓ દ્વારા હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાનાર છાત્રાને બચાવવાનો પ્રયાસ પણ કોલેજના પ્રિન્સીપાલ કે પ્રોફેસર દ્વારા કરવામાં આવ્યો ન હોવાના ગંભીર આક્ષેપ કરી પ્રોફેસર દ્વારા જનરલ લખવા સૌહેતના મુદ્દે માનસિક ટોર્ચર કરવામાં આવતું હોવાનો બળાપો કાઢ્યો હતો.