Kailash Mansarovar Yatra 2025: ભારત અને ચીને કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો અને બંને દેશો વચ્ચે સીધી ફ્લાઈટો ઓપરેટ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ બંને દેશોએ કૈલાશ માનસરોવર યાત્રા આ વર્ષે ઉનાળામાં પુનઃ શરૂ કરવાનું નક્કી કર્યું છે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી વચ્ચે મુલાકાતમાં આ નિર્ણય લેવાયો. ભારત અને ચીન બંને દેશો વચ્ચે સીધી વિમાની સેવા ફરી શરૂ કરવા માટે પણ સૈદ્ધાંતિક રીતે સંમત થયા છે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત-ચીન સંબંધોને સ્થિર કરવા અને પુનઃનિર્માણ માટે બંને દેશોના લોકોને ધ્યાનમાં રાખીને કેટલાક નિર્ણયો માટે સંમતિ સધાઈ છે. બંને દેશો તેમની પ્રજા વચ્ચેના સંબંધોને પ્રોત્સાહન આપવા અને આ સંબંધોને સુવિધાજનક બનાવવા સંમત થયા છે. મિસરીએ બેજિંગમાં ચીનના વિદેશ સચિવ લિઉ જિઆનચાઓ સાથે પણ બેઠક કરી હતી. જેમાં દ્વિપક્ષી રાજકીય અને આર્થિક સંબંધો અંગે ચર્ચા થઈ હતી. મિસરી બેજિંગના બે દિવસના સત્તાવાર પ્રવાસે ગયા છે.
કૈલાશ માનસરોવરની યાત્રા માટે વિદેશ મંત્રાલયની વેબસાઈટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકાશે. આ યાત્રા માટે પાસપોર્ટ સાઈઝનો ફોટો, પાસપોર્ટનો પહેલો અને છેલ્લા પેજનો ફોટો, ફોન નંબર અને ઈમેઈલથી રજિસ્ટ્રેશન કરવું. આ યાત્રા પૂરી કરવા માટે ઓછામાં ઓછો 25 દિવસનો સમય લાગે છે. જેમાં 1.5થી 3 લાખ રૂપિયા સુધીનો ખર્ચો થઈ શકે છે. જે યાત્રી અનફિટ લાગે તેની કૈલાશ માનસરોવરની યાત્રા કેન્સલ થઈ શકે છે.
યાત્રા માટે ભાડુ અને ફી
- વિદેશ મંત્રાલયની વેબસાઈટમાં જણાવ્યા મુજબ, કૈલાશ માનસરોવરની યાત્રા માટે સૌ પહેલા KMVNને 32000 રૂપિયાની ફી ચૂકવવી પડશે. જેમાં યાત્રા કન્ફર્મ કરવા માટે તમારે ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા 5,000 રૂપિયાની નોનરિફન્ડેબલ ફી ચૂકવવી પડશે. બાકી 27,000 રૂપિયાની ચૂકવણી તમે દિલ્હી આવીને કરી શકો છો.
- 2,400 રૂપિયા ચીની વિઝા ફી લાગશે અને ફિટનેસ ટેસ્ટ માટે 3,100 તમારે દિલ્હી હાર્ટ એન્ડ લંગ ઈન્સ્ટીટ્યૂટને ચૂકવવા પડશે. મેડિકલ ઓથોરિટીની રિક્વેસ્ટ પર તમારે સ્ટ્રેસ ઈકો ટેસ્ટ માટે 2,500 રૂપિયા ચૂકવવા પડશે.
- રહેવા માટે તમારે તિબ્બતમાં ચીની અધિકારીઓને 48,861 રૂપિયા ચૂકવવા પડશે. જેમાં ઈમિગ્રેશન ફી, ભોજન, સામાનની હેરફેર, ધોડાનું ભાડું, કૈલાશ માનસરોવર અને મંદિર માટે પ્રવેશ ટિકિટ સામેલ છે.
- ભારત તરફથી બંને સાઈડ માટે તમારે કુલ 8,904 રૂપિયાનો પોર્ટર ચાર્જ આપવો પડશે. આ સાથે જ તમારે પોની હેન્ડલર સાથે પોની (નાનો ઘોડો), નારાયણ આશ્રમથી લિપુલેખ પાસ સુધી વાપસી અને ધારચૂલામાં પોની અને કુલી ભાડે કરવા પ્રમાણે 10,666 રૂપિયા ચૂકવવા પડશે.
- ચીન તરફથી બંને સસાઈડના પોર્ટર માટે 3,600 રૂપિયા ચૂકવવા પડશે. તિબ્બતમાં કૈલાશની પરિક્રમા, પોની અને પોર્ટરના ભાડા માટે 10,500નો ખર્ચ આવશે.
- ગ્રુપ એક્ટિવિટી માટે 2000 રૂપિયા ચૂકવવા પડશે. આ સાથે જ તિબ્બતમાં ભોજન, કપડાં, ફૂડ સ્ટોર અને મુસાફરી સંલગ્ન અન્ય ખર્ચાઓ માટે 20,000 રૂપિયા ચૂકવવા પડશે.