gujarat24

Garba Benefits: જાણો ગરબાના સ્થાપન અને ઉપાસનાનું સાયન્ટિફિક મહત્ત્વ, ગરબા રમવાથી થાય છે આ પુણ્યની પ્રાપ્તિ

Navratri 2024: મા આદ્યશક્તિની આરાધનાનું પર્વ નવરાત્રી ઉજવાઈ રહ્યું છે. ભક્તો ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરી રહ્યા છે. ત્યારે ગરબે રમવાનું પણ પૌરાણિક અને સાયન્ટિફિક મહત્ત્વ રહેલું છે. મહત્ત્વનું છે કે, આ માહિતી શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત દ્વારા આપવામાં આવી છે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

ગરબાનું મહત્વ

નવરાત્રિ દરમિયાન ઘરમાં કે મંદિરમાં ગરબા (ઘડા)નું સ્થાપન કરવામાં આવે છે અને જ્યારે ગરબા રમવાનું શરૂ થાય ત્યારે ગરબાને કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે અને તેના ફરતે રાસ-ગરબા રમવામાં આવે છે. ગરબામાં 27 છિદ્રો પાડવામાં આવે છે. આ 27 છિદ્રોનું રહસ્ય પણ અનેરું છે. ગરબાને બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે અને 27 છિદ્રોને 27 નક્ષત્રોનું પ્રતિક માનવામાં આવે છે. એક નક્ષત્રને ચાર ચરણ હોય છે. એટલે 27 X 4= 108ની સંખ્યા પ્રાપ્ત થાય છે. એટલા માટે કહેવાય છે કે ગરબાને મધ્યમાં રાખી 108 વખત ગરબી ઘૂમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.

વૈજ્ઞાનિક મહત્વ

સામાન્ય રીતે લગભગ બધા જ તહેવાર દિવસે ઉજવવામાં આવે છે માત્ર નવરાત્રિની ઉજવણી જ રાત્રે થાય છે. નવરાત્રિ મનાવવાનું વૈજ્ઞાનિક મહત્વ એ છે કે, શરદઋતુ સખત ઉકળાટ તેમજ રોગચાળાની ઋતુ છે. આ ઋતુ જો વ્યક્તિ હેમખેમ પાર પાડી શકે તો સમગ્ર વર્ષ નિરોગી રહે તેવી માન્યતા છે. આસો માસ શરદી અને ગરમીના સંધિકાળનો સમય છે. સામાન્ય રીતે સંધિકાળમાં અનેક જીવજંતુઓ અને રોગોના જીવાણુઓનું સર્જન થાય છે. આવા સમયે રોગપ્રતિકારક શક્તિ વધારતા ગરબા અમૃત સમાન બની રહે છે. ગરબા-રાસ જેવી પ્રવૃત્તિ કે કસરત દિવસની ગરમી દરમિયાન ન કરતા રાત્રિના સમયમાં કરવાની વ્યવસ્થા ખૂબ વૈજ્ઞાનિક છે. પ્રદક્ષિણા કરવી એ માત્ર નૃત્યનો એક પ્રકાર નથી પરંતુ શરીરમાં જમા થયેલો કફ તેમજ પિત્તરૂપ વિષદ્રવ્યો બહાર કાઢવામાં ખૂબ મદદરૂપ છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વી સહિત તમામ ગ્રહો સૂર્યની આજુબાજુ ગોળ ગોળ ફરે છે અને શક્તિ મેળવે છે આ જ તર્ક ગરબાની ક્રિયામાં પણ લાગુ પડે છે. આમ પણ વિજ્ઞાને સંશોધન દ્વારા સાબિત કર્યું છે કે લયબદ્ધ તાળી પાડી તેમ જ પગની ઠેસ મારી રમાતા ગરબા શરીરમાં આવેલા શક્તિકેન્દ્રોને જાગૃત કરે છે કેમ કે આપણા હાથના પંજા અને પગના તળિયામાં શરીરના દરેક અંગના સંપર્કકેન્દ્રો આવેલા છે. એટલે તો એક્યુપ્રેશરના ઇલાજોમાં તેનો વિશેષ ઉપયોગ કરવામાં આવે.

ઉપાસના

નવરાત્રિ એટલે નવ દિવસ મા આદ્યશક્તિની ઉપાસનાનું પર્વ અને જેમાં ઘણીબધી પદ્ધતિઓ જોવા મળે છે. જેમાં યજ્ઞ-યજ્ઞાદિ, હવન, વ્રત, જપ, તપ, ધ્યાન માઇ ભક્તો કરતા હોય છે, આ સિવાય નવરાત્રિમાં ચંડીપાઠ, ભવાન્યષ્ટકમ્ અને શક્રાદય સ્તુતિનું ખૂબ જ વિશેષ મહત્વ છે. કોઈપણ દૈવીય ધાર્મિક સ્થળ પર નવરાત્રિ દરમિયાન યજ્ઞ અચૂક કરવામાં આવે છે. યજ્ઞ વૈદિક પરંપરાની એક ઉપાસના પદ્ધતિ છે જે ખૂબ જ ગૂઢ રહસ્ય અને આધ્યાત્મિક શક્તિની પરાકાષ્ઠા દર્શાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *