શાસ્ત્રી ડૉક્ટર ઘાર્મિક જનાર્દન પુરોહિતઃ
ભારત એક એવો મહાન દેશ છે, જ્યાં તમામ ઉત્સવો અને તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દેશમાં પ્રદેશે-પ્રદેશે ભિન્ન-ભિન્ન લોક સંસ્કૃતિ જોવા મળે છે અને આ લોકસંસ્કૃતિઓ ભેગી મળીને ભારતની ઉન્નત અને મહાન સંસ્કૃતિ બનાવે છે. સનાતન ધર્મની તાસીર છે કે આપણે આપણા તહેવારોમાંથી પણ કંઈક નવું જ્ઞાન મેળવી શકીએ છીએ તથા આપણા તહેવારો વૈજ્ઞાનિક અભિગમ પણ પૂરો પાડે છે. આપણાં આધ્યાત્મિક તહેવારોમાં નવરાત્રિ એ માતૃ શક્તિઓને દર્શાવે છે. જેમ કે નવ ગ્રહ, નવ તહેવાર, નવ રંગ અને ગર્ભના 9 માસ 9 દિવસ! જે રીતે માતાના ગર્ભમાં 9 મહિના બાળકનો વિકાસ થાય છે એ જ ક્રમમાં નવરાત્રિમાં આપણાં દરેક અંગનું શુદ્ધિકરણ થાય છે. આ વખતે નવરાત્રિ 03થી 12 ઓક્ટોબર 2024 સુધી ઉજવવામાં આવશે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
નવરાત્રિની માન્યતા
માન્યતા અનુસાર એવું કહેવાય છે કે, એક સમયે મહિષાસુર નામનો રાક્ષસ બ્રહ્માજીની તપસ્યા કરવા બેસે છે. બ્રહ્માજી પ્રસન્ન થઈ વરદાન માંગવા કહે છે તો મહિષાસુર અમર થવાનું વરદાન માંગે છે. પણ એ પ્રકૃતિના નિયમ વિરુદ્ધ હોવાથી અન્ય વરદાન માંગવાનું બ્રહ્માજી કહે છે. ત્યારે તે રાક્ષસ વરદાન માંગતા કહે છે કે મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ ન તો કોઈ દેવતા કરી શકે ન તો કોઈ અસુર કરી શકે કે ન તો કોઈ મનુષ્ય કરી શકે. મારું મૃત્યુ માત્ર કોઈ સ્ત્રીના હાથે શક્ય બને.
બ્રહ્માજી મહિષાસુરને વરદાન આપે છે. પણ સમય જતાં મહિષાસુર રાક્ષસોનો રાજા બની ગયો અને દેવતાઓ પર આક્રમણ શરૂ કર્યાં. દેવતાઓ એકજૂટ થઈને લડ્યા પણ મહિષાસુરને પહોંચી ન વળ્યા. દેવતાઓએ ભગવાન વિષ્ણુ અને ભગવાન શંકર પાસે મદદ માંગી. પણ બ્રહ્માજીએ આપેલા વરદાનથી મહિષાસુરનો સામનો કરવો શક્ય નહોતો. તેથી ભગવાન વિષ્ણુ સહિત અન્ય દેવતાઓએ ‘આદિશક્તિ’ની આરાધના શરૂ કરી. બધા દેવોના શરીરમાંથી એક દિવ્ય રોશની નીકળી જેમાંથી દેવી શક્તિએ સ્વરૂપ ધારણ કર્યું.
દેવી શક્તિનું સર્જન મહિષાસુરનો સંહાર કરવા માટે થયું હતું અને થયું પણ એવું જ કે મહિષાસુરે દેવી શક્તિ સાથે લડાઈ કરી. નવ દિવસ સુધી આ યુદ્ધ ચાલ્યું અને દસમા દિવસે આદિશક્તિએ મહિષાસુરનો સંહાર કર્યો અને ત્યારથી નવરાત્રિ પર્વ શરૂ થયું.
દેવી સંપ્રદાય પ્રમાણે વર્ષમાં ચાર નવરાત્રિ હોય છે
- ચૈત્ર સુદ 1 થી ચૈત્ર સુદ 9
- અષાઢ સુદ 1 થી અષાઢ સુદ 9
- આસો સુદ 1 થી આસો સુદ 9
- મહાસુદ 1 થી મહાસુદ 9
આ ચારે નવરાત્રિઓમાં દેવી સંપ્રદાય વાળા એક સરખી રીતે ભક્તિ ઉપાસના કરે છે, પરંતુ આ ચારેયમાં બે નવરાત્રિઓ ચૈત્રી અને આસો નવરાત્રિનું મહત્વ અને યોગાનુયોગ આ બન્ને નવરાત્રિ દરમિયાન મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામનો ઉલ્લેખ થાય છે. ચૈત્ર નવરાત્રિની સમાપ્તી ચૈત્ર સુદ 9 એટલે ભગવાન શ્રીરામનો પ્રાદુભાવનો દિવસ. અને દેવી ભાગવત અનુસાર આસો સુદ 1થી આસો સુદ 9ના દિવસોમાં ભગવાન શ્રીરામે આદ્યશક્તિ માતાની ઉપાસના કરીને વિજયાદશમીને દિવસે રાવણ સાથે યુદ્ધ કરવા લંકા જવા સમુદ્ર તટથી પ્રયાણ કર્યું હતું.